Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

કલેકટર રેમ્યા મોહનને કોરોના

રાજકોટને કોરોના મુકત કરવા તમામ વહિવટી તંત્ર સાથે મળી સંકલન કરવા સતત દોડતા કલેકટર સંક્રમિત થતા અન્ય અધિકારીઓમાં દોડધામ : તાવ-શરદી-ઉધરસ નથી, ગળામાં તકલીફઃ ૧૪ દિવસ હોમ આઇસોલેશનમાં રહીશઃ મારી સાથે સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવી લેવા અનુરોધઃ કલેકટર રેમ્યા મોહનની 'અકિલા' સાથે વાતચીત : ઝડપથી સાજા થઇ જાય તેવી ઠેર-ઠેરથી શુભેચ્છાઓ

રાજકોટ તા. ૧૫: કોરોના મહામારીના સંક્રમણમાં રોજબરોજ રાજકોટ તથા આસપાસના ગામોના લોકો જકડાઇ રહ્યા છે. રોજ પોઝિટિવનો આંકડો વધી રહ્યો છે. મહામારીને કાબૂમાં લેવા પ્રારંભથી જ સતત દોડધામ કરતાં અને તમામ તંત્રવાહકો સાથે મળી કામ કરી રહેલા રાજકોટના કાર્યદક્ષ કલેકટરશ્રી રેમ્યા મોહન પણ આજે કોરોનાથી સંક્રમિત થતાં કલેકટર કચેરીના અન્ય અધિકારીઓમાં દોડધામ મચી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ રાજકોટ કલેકટરશ્રી રેમ્યા મોહન આજે કોરોનાને લગતી મિટીંગમાં જોડાયા હતાં. એ પછી તબિયત બગડતાં તેમણે શંકાને આધારે

કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. આ રિપોર્ટ પોઝિટિવ જાહેર થતાં તંત્રવાહકોમાં દોડધામ મચી ગઇ હતી. સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં પ્રાથમિક સારવાર લીધા બાદ તેઓ હોમ આઇસોલેટ થવા માટે નિવાસસ્થાને જવા નીકળ્યા હોવાનું જાણવા મળ્યું છે.

કલેકટરશ્રી રેમ્યા મોહનને કોરોના લાગુ પડ્યાની જાણ પોલીસ તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર તથા જીલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓને થતાં સોૈએ તેઓ ઝડપથી સાજા થાય તે માટે સંદેશા પાઠવ્યા હતાં. કોરોનાનો પ્રથમ કેસ જાહેર થયો ત્યારથી જ કલેકટરશ્રી દોડધામ કરી રહ્યા છે. ગાંધીનગરથી આરોગ્ય તંત્ર તરફથી મળતી સુચનાઓ અને યોજનાઓનો સતત અમલ કરાવવા ઉપરાંત સિવિલ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને કોઇપણ જાતની તકલીફો ઉભી ન થાય અને તેમના સ્વજનોને પણ કોઇ તકલીફ ન પડે તે માટે તેઓ અથાક મહેનત કરી રહ્યા છે.

તાજેતરમાં આરોગ્ય સચીવ ડો. જયંતિ રવિએ રાજકોટમાં કોરોનાની સ્થિતિને કાબુમાં લેવા સતત પંદર દિવસ રોકાણ કર્યુ હતું. ત્યારે તેમની સાથે સતત જોડાઇને કોરોનાના સંક્રમણને અટકાવવાની તમામ કાર્યવાહીઓ તેમણે કરાવી છે.

દરમિયાન કલેકટર શ્રી રેમ્યા મોહને 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મને તાવ, શરદી કે ઉધરસ સહિતના કોઇ લક્ષણો નહોતાં. પરંતુ ગળામાં તકલીફ જેવું હોવાથી મેં એન્ટીજન ટેસ્ટ કરાવ્યો છે. જે પોઝિટિવ જાહેર થતાં જ હું હોમ આઇસોલેશનમાં ૧૪ દિવસ સુધી રહીશ. મારી સાથે સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવી લેવા મેં અનુરોધ કર્યો છે. કલેકટરશ્રી રેમ્યા મોહન ઝડપથી સાજા થઇ ફરીથી કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા કાર્યરત થઇ જાય તેવી તમામ લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(2:56 pm IST)