Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

૮૫ ટકા લોકોએ ઘરકામ કરતા બહેનોને રજા આપી હતી

લોકડાઉનને કારણે પુરૂષો કરતા મહિલાઓએ વધુ ગુમાવવી પડી રોજગારી : દેવાનો બોજો આવ્યો

નવી દિલ્હી તા. ૧૫ : ભારતમાં કોરોના મહામારીના કારણે લગાવાયેલ લોકડાઉનથી હજારો લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી છે. તેની અસર અસંગઠીત ક્ષેત્રમાં કામ કરનારા લોકો પર પણ પડી છે. લોકડાઉન દરમિયાન આ ક્ષેત્ર સાથે સાથે સંકળાયેલી મહિલાઓને પુરૂષોની સરખામણીમાં વધારે રોજગાર ગુમાવવો પડયો છે. એકશન એડ એસોસીએશન દ્વારા કરાવાયેલ એક સર્વેમાં એ વાત જાહેર થઇ છે કે લોકડાઉન દરમિયાન ૭૯.૨૩ ટકા મહિલાઓએ પોતાની નોકરી ગુમાવી છે. જ્યારે ૫૧.૬ ટકા પુરૂષોએ નોકરી ગુમાવી હતી. આ સર્વે દેશના ૨૦ રાજ્યોમાં કરવામાં આવ્યો હતો. મે થી જૂન ૨૦૨૦ દરમિયાન કરાયેલ આ સર્વેમાં ૧૦૫૩૭ લોકોને સામેલ કરાયા હતા.

લોકડાઉનના આ સમયગાળામાં ઘરોમાં કામ કરતી ૮૫ ટકા મહિલાઓને સંક્રમણના ભયથી કામ પરથી હટાવી દેવાઇ હતી. ૬૮ ટકા મહિલાઓનું કહેવું હતું કે, આ દરમિયાન તેમને ઘરખર્ચ માટે કરજ લેવું પડયું હતું. સર્વે અનુસાર, મહામારીના કારણે લોકડાઉનમાં જ્યારે આ લોકોની નોકરીઓ જતી રહી અને આવકનો કોઇ સ્ત્રોત ન રહ્યો ત્યારે ઘરખર્ચ પુરો કરવા તેમણે પોતાની બચત હતી તે વાપરવી પડી. આ સમયગાળામાં ૯૯ ટકા લોકોની બચત ખાતમ થઇ ગઇ હતી.  આ સર્વે અનુસાર ઘરોમાં કામ કરનારામાંથી ૮૮ ટકા શહેરી વિસ્તારોમાં અને ૧૧.૫ ટકા ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે. આ બધા લગભગ પ્રવાસી મજૂરો છે. લોકડાઉન પહેલા લગભગ ૯૦ ટકા મહિલાઓ અને ૮૫ ટકા પુરૂષો અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા વિભીન્ન કામોમાં જોડાયેલા હતા. મેના મધ્ય સુધીમાં ૭૯ ટકા મહિલાઓએ જણાવ્યું કે તેમનો રોજગાર જતો રહ્યો છે. તો આ દરમિયાન ૭૫ ટકા પુરૂષોએ પણ રોજગાર ગુમાવ્યો હતો.

(12:56 pm IST)