Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

કોરોના -લોકડાઉનની ઇફેકટ

બોલીવુડને રૂ.૫,૦૦૦ કરોડનું જંગી નુકસાન

ગુંજન સકસેના, લક્ષ્મી બોમ્બ, સડક ૨, ૮૩, સૂર્યવંશી તેમાંથી કોઈ પણ રિલીઝ ન થઈ શકી

મુંબઈ,તા.૮: એ કહેવું ખોટું નહીં કહેવાય કે બોલિવૂડ સાથે જોડાયેલા દરેક વ્યકિત વર્તમાનમાં ખુબ જ નિરાશ છે અને ભવિષ્ય અંગે કહી શકાય તેમ નથી. ભારતમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છેઅને ઓકસફોર્ડ સાથે રસીનું પરીક્ષણ રોકી દીધું છે જેનાથી ફિલ્મ ઉદ્યોગમાં માત્ર નિરાશા વધી છે. માર્ચ પછી લોકડાઉનને કારણે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ભારે નુકસાનનું અનુમાન સાંભળીને તમને આંચકો આવી જશે.

ડિસ્ટ્રિબ્યૂટર અક્ષય રાઠીએ જણાવ્યું છે કે, 'એકિસબિશન સેકટરમાં માર્ચથી સપ્ટેમ્બર સુધીમાં ૧૫૦૦ કરોડનું નુકસાન થયું છે. બોલિવૂડનો કુલ આંકડો ખુબ જ વિશાળ છે. જેમાં વ્યાજ દર, સેલરી, મેઈન્ટેન્સ ચાર્જ અને અન્ય ખર્ચ જોડવામાં આવશે. આ ઉપરાંત અનેક લોકોએ નોકરી ગુમાવી છે અને હજુ પણ નોકરી ગુમાવશે. બીજી તરફ સરકાર તરફથી પણ કોઈ મદદ મળી નથી. આ માત્ર મેડીકલ મહામારી જ નહીં પરંતુ આર્થિક મહામારી પણ છે. આ ખુબ જ ગંભીર સ્થિતિ છે સરકારે જલદી કોઈ પગલા લેવા જોઈએ. આ ક્ષેત્રમાંથી સૌથી વધારે ટેકસ અને રોજગાર ઉત્પન થાય છે. મનોરંજન ક્ષેત્રને પ્રાથમિકતા સાથે જોવાની જરૂર છે.'

માર્ચ મહિનાથી મોટા ભાગની ફિલ્મોના શૂટિંગ અટકી ગયા છે અને હજુ સુધી શૂટિંગ શરૂ થયા નથી. સંજય લીલા ભણસાલીની ગંગૂબાઈ અને બોની કપૂરની મૈદાનના સેટ ઉતારી લેવામાં આવ્યા છે કારણે તેઓ લાંબો સમય સુધી તેનો ખર્ચ ઉઠાવી શકતા નથી. હવે વિચાર કરો ફરીથી તે સેટ તૈયાર કરવાનો ખર્ચ પણ વધી જશે. આ સાથે જયારે શૂટિંગ ફરી શરૂ કરવામાં આવશે ત્યારે સેનિટેશનનો ખર્ચ પણ જોડાશે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે જણાવ્યું છે કે, 'નુકસાન ખુબ જ મોટું છે. એપ્રિલથી જૂન બોલિવૂડમાં સૌથી વધુ નુકસાન થયું. જયારે મેં પ્રોડ્યૂસર સાથે વાત કરી તો તેઓ તમામ ચિંતિત અને ટેન્શનમાં હતા. અનેક ફિલ્મો રિલીઝ માટે તૈયાર હતી ગુંજન સકસેના, લક્ષ્મી બોમ્બ, સડક ૨, ૮૩, સૂર્યવંશી તેમાંથી કોઈ ફણ રિલીઝ ન થઈ શકી. સૂર્યવંશીના પ્રોડ્યૂર્સે મહારાષ્ટ્રમાં ૨૪ કલાક થિયેટર શરૂ રાખવાની માંગણી કરી હતી. કેટલીક ફિલ્મો પોસ્ટ પ્રોડકશનમાં હતી જે ફરીથી શરૂ થઈ શકી નથી. કેટલીક ફિલ્મોનું શૂટિંગ વિદેશમાં થઈ રહ્યું છે. શ્રમિકોની કલ્પના કરો તેમની શું દશા છે.લૃ

આ સાથે અલગ અલગ એકસપર્ટ અને ટ્રેડ એનાલિસ્ટોના મતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજ લગાવ્યો છે. અક્ષય રાઠીના મતે ૪૫૦૦-૫૦૦૦ કરોડ, શિબાશિશ સરકારના મતે ૪૫૦૦ કરોડ, તરણ આદર્શના મતે ૪૦૦૦ કરોડ , કોમલ નહાટાના મતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ૯૦૦૦ કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ લગાવ્યો છે.

(11:44 am IST)