Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

મધ્યમ વર્ગનો મરો

વેપારીઓને કામધંધા નથી : નોકરિયાતને નોકરી નથી અથવા પગારકાપ ચાલે છે ત્યાં શાકભાજી મોંઘાદાટ

મુંબઇ,તા.૧૫: કોરોનાને કારણે કામધંધાની ગતિ ધીમી પડી ગઈ હોવાથી આર્થિક મંદી પણ ઊભી થઈ છે, લોકોની આવકમાં ઘટાડો થયો છે, પગાર પણ કપાઈને મળી રહ્યા છે ત્યારે આવી આર્થિક સ્થિતિ વચ્ચે શાકભાજીના અચાનક વધી ગયેલા ભાવે મુંબઈગરાઓને ચિંતામાં મૂકી દીધા છે. ગૃહિણીઓનું મન્થ્લી બજેટ કોરોનાને કારણે પહેલાં જ હલબલી ગયું છે અને છેલ્લા બારેક દિવસથી શાકભાજીના ભાવમાં ૧૦થી ૧૫ ટકા હોલસેલ માર્કેટમાં વધારો થતાં બજેટ કઈ રીતે જાળવવું એ સમજાઈ નથી રહ્યું. જોકે રાહતની એ વાત પણ છે કે કદાચ વીસેક દિવસ પછી આ ભાવ નીચે જઈ શકે એવી શકયતા છે, પરંતુ નવરાત્રિમાં પાછા ભાવ વધી શકે એ શકયતાને પણ નકારી શકાય એમ નથી. કોરોના અને એને કારણે થયેલા લોકડાઉનને લીધે વેપારીઓને રૂપિયાની કમાણી નથી અને નોકરિયાત પાસે કયાં તો નોકરી નથી અને કયાં તો નોકરીમાં કપાતી સઙ્ખલેરીમાં કામ કરવું પડે છે ત્યારે શાકભાજીના ભાવમાં થયેલો તોતિંગ વધારો પડેલા પર પાટુ જેવો છે. આમાં ખરો મરો થાય છે મિડલ-કલાસનો.

શાકભાજીના ભાવમાં અચાનક થયેલા વધારા વિશે વાત કરતાં મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી)-મુંબઈના ડિરેકટર શંકર પિંગળેએ જણાવ્યું હતું કે 'લોકડાઉન પહેલાં માર્કેટમાં ૬૦૦થી ૬૫૦ જેટલી ટ્રકો દરરોજ આવતી હતી, પરંતુ હાલમાં ૪૦૦થી ૪૫૦ ટ્રક જ આવી રહી છે. હાલમાં વરસાદને લીધે સારો માલ ઓછો અને ખરાબ માલ વધુ આવી રહ્યો હોવાથી છેલ્લા ૧૦-૧૨ દિવસથી અચાનક શાકભાજીના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો હોલસેલ માર્કેટમાં વધારો થયો છે. અચાનક પડી રહેલા વરસાદને કારણે પાકને પણ નુકસાન થઈ રહ્યું છે.' એપીએમસી માર્કેટમાં શાકભાજીના ભાવ વધતાં રીટેલ માર્કેટમાં અનેક ઠેકાણે ગ્રાહકો પાસેથી મન ફાવે એ ભાવ વસૂલાઈ રહ્યા છે. ટમેટાં ૫૦થી ૭૦ રૂપિયા કિલો, ફ્લાવર ૪૦થી ૭૦ રૂપિયા કિલો, કોથમીર ૩૦ રૂપિયા ઝૂડી એ રીતે મન ફાવે એવા ભાવ ગ્રાહકો પાસે લેવાઈ રહ્યા છે. ગ્રાહકો નાછૂટકે વધુ ભાવ ચૂકવીને પણ શાકભાજી ખરીદવા મજબૂર છે.

(11:43 am IST)