Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

લોકતંત્ર ખત્મ તો દેશનું ભવિષ્ય પણ ખત્મ : તારીક અનવર જનતા જ લોકતંત્રને મજબુત બનાવી શકે : વિનય સહસ્ત્રબુધ્ધે

આજે ૧૫ સપ્ટેમ્બરના આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસે રાષ્ટ્રીય નેતાઓએ લોકતંત્ર વિષે રજુ કરેલ મંતવ્યો

રાજકોટ તા. ૧૫ : આજે ૧૫ સપ્ટેમ્બરના આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ છે. આ અવસર પર કોંગ્રેસ મહાસચિવ તારીક અનવર અને ભાજપ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિનય સહસ્ત્રબુધ્ધેએ રજુ કરેલ વિચારો અહીં રજુ છે.

લોકતંત્ર મજબુત કરવા સરકારોની શું ભુમિકા રહી? શુ તેનું બરાબર પાન થશે? તેવા સવાલના જવાબમાં તારીક અનવરે જણાવેલ કે લોકતંત્ર ખત્મ તો દેશનું ભવિષ્ય પણ ખત્મ. હાલની કેન્દ્ર સરકાર લોકતંત્ર અને લોકતાંત્રિક સંસ્થાઓ અને પરંપરાઓને સમાપ્ત કરવા પ્રયાસો કરી રહી છે. સંવિધાનના મુળ ભાવને સન્માન નથી અપાય રહ્યુ. દેશ ખુબ નાજુક સમયમાં પસાર થઇ રહ્યો છે. કોંગ્રેસ લોકતાંત્રિકને બચાવવાની લડાઇ લડી રહી છે. જો લોકતંત્ર ખત્મ થઇ જશે તો દેશનું ભવિષ્ય પણ ખત્મ થઇ જશે.

જયારે આજ સવાલનો ઉત્તર આપતા ભાજપ ઉપાધ્યક્ષ વિનય સહસ્ત્રબુધ્ધેએ જણાવ્યુ છે કે સંવિધાનનો મુળ ઢાંચો યથાવત સ્વરૂપમાં જળવાયો છે. તેમાં વ્યવસ્થા છે કે લોકોની આકાંક્ષા અને તંત્રના સંચાલનમાં કોઇ સંઘર્ષ ન થાય. તેમછતા ૧૯૭૫ માં ઇમરજન્સી લાગુ કરાયો. પણ જનતાએ લોકતંત્રને વધુ મજબુત બનાવ્યુ. સંવિધાન સંશોધન થયુ. જેના કારણે આવી રમત કોઇ ન રમી શકે.

શું સરકાર વિરોધીઓનો અવાજ દબાવી રહી છે, ભારતીય લોકતંત્રને નબળુ કરવામાં આવી રહ્યુ છે? તેવા સવાલના જવાબમાં તારીક અનવરે જણાવેલ કે વિપક્ષની ભુમિકા સમાપ્ત કરવા ચોકકસ પ્રયાસો થઇ રહ્યા છે. ઇડી, ઇન્કમટેકસ, સીબીઆઇ જેવી સરકારી સંસ્થાઓનો દુરઉપયોગ કરીને વિપક્ષનો અવાજ દબાવવા પુરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તે દુઃખજક છે. ગેર ભાજપાઇ સરકારોને દામના બળે અને સતાના દુરઉપયોગથી સમાપ્ત કરવાનું કામ થઇ રહ્યુ છે. પણ એક વાત દાખલારૂપ છે કે રાજસ્થાનમાં લોકતંત્ર વિરોધી તાકાતોની હાર થઇ છે.

આજ સવાલ પર પ્રતિક્રિયા આપતા વિનય સહસ્ત્રબુધ્ધેએ જણાવેલ કે આપણા જનતાંત્રીક બંધારણમાં આવુ અસંભવ છે. કોંગ્રેસ દ્વારા લાગુ કરવામાં આવેલ ઇમરજન્સી અને ત્યાર બાદ એવા પગલા ભરાયા કે જેની કોઇ કલ્પના પણ ન કરી શકે. તેમછતા વિપક્ષ પોતાની રીતે કામ કરતો રહેલ અને સતા તેની રીતે કામ કરતો રહ્યો. લોકતાંત્રિક પધ્ધતિથી બને પક્ષો પોત પોતાના પ્રયત્નો પર અડગ રહ્યા.

લોકતંત્રને મજબુત બનાવવા મતદાનથી ઉપર કઇ ભુમિકા કામ કરી શકે? તેવા સવાલના જવાબમાં તારીક અનવરે જણાવેલ કે જનતા સજાગ રહે અને સવાલ ઉઠાવવાનું શરૂ કરે તો લોકતંત્ર વધુ મજબુત બની શકે.  જનતાએ જ સમજ દાખવવી પડશે. ભાવનાત્મક અને ધ્રુવીકરણ જેવી રાજનીતિને જનતાને જ અટકાવી શકે. જનતાના અવાજને થોડા દિવસ માટે દબાવી શકાય, કાયમ માટે નહીં.

જયારે આ સવાલ ઉપર વિનય સહસ્ત્રબુધ્ધેએ જણાવેલ કે લોકતંત્રમાં વિરોધના અવાજને જ મહત્વ દેવામાં આવે છે. પરંતુ કયારે તેની માત્રા એટલી વધી જતી હોય છે કે તે દોષપૂર્ણ બની જાય છે.  લોકોએ એ સમજદારી કેળવવી પડશે કે નાગરિકનું કામ મત આપી દેવાથી સમાપ્ત નથી થઇ જતુ, જનતાંત્રીક ઢાંચામાં નાગરિકોના કર્તવ્યોની વ્યાપકતા છે. મતદાન કરવુ એ તો કર્તવ્યનું આરંભ બિંદુ હોય છે.

(11:37 am IST)