Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ચીનની વધુ એક કરતૂતનો ખુલાસો

અર્થતંત્ર જગતની ૧૪૦૦ હસ્તીઓ - કંપનીઓની પણ જાસુસી

ભારતમાં ઝડપથી આગળ વધતા ડિજિટલ હેલ્થ સેકટર તથા ડિજિટલ એજ્યુકેશન સેકટરની પણ ડ્રેગન કરે છે જાસુસી

નવી દિલ્હી તા. ૧૫ : ચીન પોતાની કંપની થકી ભારતમાં લગભગ ૧૦,૦૦૦થી વધુ લોકોની જાસૂસી કરી રહ્યું છે. જેનો ખુલાસો થયા બાદ આજે ખુલાસાની બીજી કડીમાં ભારતીય અર્થતંત્રની અંદર ચીનના ઉંડા જામી ગયેલા જાસૂસી તંત્રનો પર્દાફાશ થયો છે. ડ્રેગન ભારતીય અર્થતંત્રની કેટલી હદે જાસુસી કરી રહ્યું છે તેનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય કે તેના વોચ લીસ્ટમાં ઇન્ડીયન રેલવેમાં ઇન્ટર્નશીપ કરી રહેલા એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓથી લઇને અઝીમ પ્રેમજીની વેન્ચર કંપનીના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફીસરો પણ સામેલ છે.

ચીનની સેના અને ગુપ્તચર એન્જસી સાથે જોડાયેલા ઝેનહુઆ ડેટા ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપની લિમિટેડે જે ઓવરસીઝ ડેટાબેઝ તૈયાર કર્યો છે તેમાં ભારતમાં અર્થતંત્ર સાથે જોડાયેલા ઓછામાં ઓછા ૧૪૦૦ લોકો અને કંપનીઓનો સમાવેશ થાય છે. જે લોકોની ચીન જાસુસી કરી રહ્યું છે તેમાં વેન્ચર કપિટલ લિસ્ટ, એન્જલ ઇન્વેસ્ટર્સ, દેશના જાણીતા સ્ટાર્ટઅપ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મના ચીફ ટેકનોલોજી ઓફિસરો પણ સામેલ છે.

ચીન આ ડેટા દ્વારા ભારતમાં અર્થજગતની જે હસ્તીઓની જાસુસી કરી રહ્યું છે તેમાં મહિન્દ્રા ગ્રુપના ગ્રુપ સીએફઓ અનિશ શાહ, રિલાયન્સ બ્રાન્ડ સીપીઓ થોમસ, અઝીમ પ્રેમજીની બનાવામાં આવેલી વેન્ચર કેપીટલ કંપનીના પ્રેમજી ઇન્વેસ્ટના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર કુરીયન, રિલાયન્સ એરટેલના ચીફ એકઝીકયુટીવ બ્રાયન બ્રેડ અને મોર્ગન સ્ટેનલીના કન્ટ્રી હેડ વિનીત જેવા દિગ્ગજોના નામ છે.

ઇ-કોમર્સ કંપની ફિલીપકાર્ટ, ઝોમેટો અને સ્વીગીંના ટોચના અધિકારીઓની પણ ચીન જાસુસી કરી રહ્યું છે. આઇઆઇટી જેવી ટોચની એન્જીનિયરીંગ સંસ્થાઓના ડાયરેકટરોની પણ ચીન જાસુસી કરી રહ્યું છે. આઇઆઇટી કાનપુર અને બોમ્બેના ડાયરેકટરો સામેલ છે. આ સિવાય કંપનીઓ, સ્ટાર્ટઅપના સ્થાપકો, સીઇઓ, સીએફઓ, સીટીઓ અને સીઓઓને પણ નિશાના પર લેવાયા છે.

ભારતમાં ઝડપથી આગળ વધી રહેલા ડિઝીટલ હેલ્થ સેકટર અને ડિઝીટલ એજ્યુકેશન સેકટરની પણ ચીન જાસુસી કરી રહ્યું છે.

પેટીએમ, રેઝર પે અને ફોન પે જેવી ડિઝીટલ પેમેન્ટ કંપનીઓ પણ ચીની જાસુસીની રડારમાં છે.

(10:04 am IST)