Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ચીની સેના ઓપ્ટિકલ ફાઇબર કેબલનું નેટવર્ક બિછાવી રહી છે : ભારતીય એજન્સીઓ એલર્ટ

સરહદ પર લાંબા સમય સુધી રોકાવાનો પીએલએનો ઈરાદો :આ પ્રકારના કેબલ લદ્દાખના પેન્ગોંગ ત્સો લેકના દક્ષિણી ભાગમાં જોવા મળી રહ્યાં છે

 

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ યથાવત છે. મોસ્કોમાં બંન્ને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે યોજાયેલી બેઠક બાદ આશા વ્યક્ત કરાઈ હતી કે ચીન પોતાની નાપાક હરકતો છોડી દેશે પરંતુ તેમ થયું. ચીન હજુ પણ સરહદ પર ષડયંત્ર રચી રહ્યું છે. હવે ચીન તરફથી સરહદ પર ફાઇબર ઓપ્ટિકલ કેબલિંગ કરવાની વાત સામે આવી રહી છે.

ભારતના બે સીનિયર અધિકારીઓનું કહેવું છે કે ચીન સરહદ પર પોતાના સંચાર તંત્રને મજબૂત બનાવવા માટે ચીનની સેના ઓપ્ટિકલ ફાઇબર કેબલનું નેટવર્ક બિછાવી રહી છે. અધિકારીઓ પ્રમાણે પીએલએનો ઈરાદો સરહદ પર લાંબા સમય સુધી રોકાવાનો છે તેથી તે પોતાના સંચાર તંત્રને મજબૂત કરવામાં લાગ્યું છે. સમાચાર એજન્સી રોયટર્સ પ્રમાણે સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ પ્રકારના કેબલ લદ્દાખના પેન્ગોંગ ત્સો લેકના દક્ષિણી ભાગમાં જોવા મળી રહ્યાં છે.
અધિકારીઓએ કહ્યું, અમારી સૌથી મોટી ચિંતા તે વાતની છે કે તેણે હાઈ સ્પીડ સંચાર શરૂ કરવા માટે ઓપ્ટિકલ ફાઇબર કેબલ બિછાવ્યા છે. તે તળાવના દક્ષિણી ભાગમાં કેબલ બિછાવવાનું કામ ઝડપથી કરી રહ્યાં છે. એક અન્ય અધિકારીપ્રમાણે ગુપ્તચર તંત્રને જાણવા મળ્યું કે, એક મહિના પહેલા પીએલએએ તળાવના ઉત્તરી ભાગમાં આ પ્રકારના કેબલ બિછાવ્યા હતા. અધિકારીનું કહેવું છે કે સેટેલાઇટ તસવીરોમાં પેન્ગોંગ ત્સો ઝીલના દક્ષિણી ભાગની રેતી વાળી જગ્યાઓ પર અસામાન્ય લાઇનો જોવા મળી છે, ત્યારબાદ ગતિવિધિ વિશે સંબંધિત અધિકારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

(8:38 am IST)