Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ચીને ભૂતાનની જમીન પચાવી પાડવા માટે સૈન્ય ખડકી દીધું

ભારતે ભૂતાનને ચીનની લુચ્ચાઈ સામે ચેતવ્યું : ભૂતાનના વિસ્તારો પર અતિક્રમણ અને ઘૂસણખોરી કરીને ચીન આ વિસ્તારો પર દાવો મજબૂત કરે તેવી સંભાવના

નવી દિલ્હી, તા. ૧૪ : ચાલાક ચીને હવે વધુ એક દાવ અજમાવ્યો છે. લદ્દાખ અને દક્ષિણ ચીન સમુદ્ર પછી ચીનનું સૈન્ય ભૂતાન સામે મોરચો ખોલવાની તૈયારી કરી છે. ભૂતાન સાથે સરહદ મુદ્દે વાતચીતમાં તેના પર દબાણ વધારવા માટે ચીને પશ્ચિમ અને મધ્ય ભાગમાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરી દીધા છે. ભારતે ચીનના જોખમ અંગે ભૂતાનને અગાઉથી જ સાવધ કરી દીધું છે. ભૂતાનના કેટલાક વિસ્તારો પર અતિક્રમણ અને ઘૂસણખોરી કરીને ચીન આ વિસ્તારો પર પોતાનો દાવો મજબૂત કરે તેવી સંભાવના છે. બીજીબાજુ દક્ષિણ ચીન સમુદ્રમાં દાદાગીરી માટે ચીનનું ત્રીજું એડવાન્સ એરક્રાફ્ટ કેરિયર તૈયાર થઈ ગયું છે, જે વર્ષના અંત સુધીમાં લોન્ચ કરાય તેવી શક્યતા છે.

ભૂતાનના ભારત સાથે ગાઢ સંબંધો છે અને ભારતની સલામતીમાં ભૂતાનની પણ મહત્વની ભૂમિકા છે, કારણ કે ભૂતાન સિલિગુરી કોરિડોરની ખૂબ જ નજીક છે. આ સંજોગોમાં જમીન અંગે ભૂતાનની ચીન સાથે કોઈપણ પ્રકારની સમજૂતી ભારતની સલામતી પર વિપરિત અસર કરશે. ભારતીય આર્મીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ૨૦૧૭માં ૭૩ દિવસ સુધી ચાલેલા ડોકલામ સ્ટેન્ડ ઓફ દરમિયાન ભારતે ભૂતાનને ચીનના સૈન્યનો સામનો કરવામાં મદદ કરી હતી, પરંતુ ચીનના સૈન્યે બંને સહોયગી દેશોની સૈન્ય ક્ષમતાઓની ચકસાણી કરવાનું ચાલુ રાખ્યું છે. ચીને ભૂતાનના પશ્ચિમી સેક્ટરમાં ૩૧૮ ચો. કિ.મી. અને મધ્ય સેક્ટરમાં ૪૯૫ ચો. કિ.મિ. વિસ્તાર પર દાવો કર્યો છે. વિસ્તારવાદી નીતિ હેઠળ ચીની સૈન્ય આ વિસ્તારોમાં રોડ અને સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં લાગેલું છે અને આક્રમક પેટ્રોલિંગ મારફત ભૂતાનની રોયલ આર્મીને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

બંને દેશના સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે ડોકલામ વિવાદ પછી ચીની સૈન્યે પશ્ચિમી ભૂતાનના પાંચ વિસ્તારોમાં ઘૂસણખોરી કરી અને નવી સરહદ પર દાવો કર્યો છે. તેણે અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. સંરક્ષણ સુવિધાઓ ગોઠવી છે, સૈનિકો અને માલ-સામાનને અંતિમ સરહદ સુધી પહોંચાડવા રસ્તા, હેલિપેડ્સનું નિર્માણ કર્યું છે. તેની વિસ્તારવાદી નીતિના ભાગરૂપે ચીન હવે ભૂતાનના પૂર્વીય ભાગો પર પણ દાવો કરી રહ્યું છે, જે તેણે છેલ્લા ૩૬ વર્ષમાં ક્યારેય કર્યો નહોતો. બીજીબાજુ દક્ષિણ ચીન સમુદ્ર અને હિન્દ મહાસાગરમાં તેનો પગપેસરો વધારવા માટે ચીન ત્રીજું એડવાન્સ એરક્રાફ્ટ કેરિયર લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ સિસ્ટમ યુએસ નેવીના નવી પેઢીના યુએએસ ગેરાલ્ડ આર ફોર્ડ ક્લાસના એરક્રાફ્ટ કેરિયરમાં લાગેલી ટેકનિક જેવી છે. આ ટેક્નોલોજીની મદદથી ભારે વિમાનોને નાના રનવે પરથી પણ ટેકઓફ કરાવી શકાય છે. ભારત પાસે આ ટેક્નોલોજી નથી. આઈએનએસ વિક્રમાદિત્યમાં ભારે ફાઈટર જેટ તેનાત કરી શકાતા નથી.

(8:36 am IST)