Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

માનવ વિકાસ સુચકાંકમાં ભારતનો એક પોઈન્ટનો કૂદકો, જોકે દેશમાં અસમાનતા હજુ યથાવત

૧૮૯ દેશોમાં ભારત ૧૩૦માં ક્રમેઃ કામકાજના સ્થળે જાતિગત અસમાનતા, જલવાયુ પરિવર્તન અને કુપોષણ હજુ પણ ભારત માટે સૌથી મોટો ખતરો

નવીદિલ્હી, તા.૧૫: નવી દિલ્હીઃ યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) દ્વારા શુક્રવારે બહાર પાડવામાં આવેલા માનવ વિકાસ સુચકાંકમાં વિશ્વના ૧૮૯ દેશમાં ભારતનો ક્રમ ૧૩૦મો આવ્યો છે. ભારતે એક સ્થાનનો કૂદકો લગાવ્યો છે. માનવ વિકાસમા લાંબા ગાળામાં હાંસલ કરવામાં આવેલા ત્રણ મુખ્ય માપદંડને આધારે માનવ વિકાસ સુચકાંક નક્કી કરવામાં આવે છે. આ માપદંડ છે, લાંબુ અને તુંદરસ્ત જીવન, સૌની જ્ઞાન સુધી પહોંચ અને શ્રેષ્ઠ જીવનધોરણ.

UNDP દ્વારા રજુ કરાયેલા વર્ષ ૨૦૧૭ના માનવ વિકાસ રિપોર્ટ અનુસાર ભારતના માનવ વિકાસ સુચકાંકની વેલ્યુ ૦.૬૪૦ આંકવામાં આવી હતી, જેણે દેશને મધ્યમ માનવ વિકાસ કેટેગરીમાં મુકયો હતો. રિપોર્ટ અનુસાર જળવાયુ પરિવર્તન અને અસમાનતા હજુ પણ ભારત માટે મોટો ખતરો છે.

અગાઉ રજુ કરવામાં આવેલા માનવ વિકાસ અહેવાલ મુજબ દક્ષિણ એશિયાનો સેરરાશ માનવ વિકાસ સુચકાંક ૨૦૫૦ સુધી ૧૨ ટકા રહેશે, જેમાં જળવાયુ પરિવર્તનની અસરોનો પણ સમાવેશ કરાયો હતો.

UNDP નાભારતના પ્રમુખ ફ્રેન્સિન પિકઅપે અહેવાલ અંગે જણાવ્યું કે, ''ભારતમાં એક પણ ક્ષેત્રમાં સંપૂર્ણ પ્રગતિ હાંસલ કરાઈ નથી. મહિલાઓનું જીવન આજે પણ નરકભર્યું છે, જ્ઞાન અને શ્રેષ્ઠ જીવનધોરણની બાબતે પણ ભારતમાં કોઈ ખાસ પ્રગતિ નોંધાઈ નથી. જો આજ સ્થિતિ રહેશે તો કામકાજના સ્થળે સમાનતા લાવવામાં ભારતને ૨૦૦ વર્ષ લાગી જશે.''

તેમણે વધુમાં જણાવ્યું કે, આજે ભારતે અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે, પરંતુ હજુ પણ દેશમાં લાખો લોકો કુપોષણનો ભોગ બની રહ્યા છે. પુરુષોની સરખામણીએ મહિલાઓને દેશમાં સમાન તક મળતી નથી, કારણ કે તેમના માટે શિક્ષણના ક્ષેત્ર અને કામકાજના સ્થળે ઓછી તકો ઉપલબ્ધ છે. જળવાયુ પરિવર્તનને કારણે દેશમાં સ્થળાંતર વધ્યું છે, વતન છોડી દેવું અને પશુપાલન ઉદ્યોગને નકારાત્મક અસર થઈ રહી છે. 

ફ્રેન્સિને વધુમાં જણાવ્યું કે, જોકે, આજે ભારત સરકાર દ્વારા જે રીતે પગલાં લેવાઈ રહ્યાં છે તે જોતાં પુરુષ અને મહિલાઓ વચ્ચેની અસમાનતામાં વહેલી ઝડપે દ્યટાડો થશે. સાથે જ સંયુકત રાષ્ટ્રના ટકાઉ વિકાસનાં ધ્યેયોને હાંસલ કરવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓ જેવી કે 'બેટી બચાઓ, બેટી પઢાઓ', 'સ્વચ્છ ભારત અભિયાન' 'મેન ઈન ઈન્ડિયા'ને કારણે નજીકના ભવિષ્યમાં માનવ વિકાસ સુચકાંકમાં ભારત ઉપર આવી શકે છે.(૨૨.૪)

 

(2:18 pm IST)