Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

રાહુલે છેલ્લા ૧૮ મહિના સીએમ બનાવવા ઓફર કરેલ ?

પણ સચીન પાયલોટે આ લોલીપોપ સ્વીકારી નહિઃ પાયલોટનો ઇરાદો કંઇક અલગ જ દર્શાય છેઃ કોંગીના ઉભા ફાડીયા કરી ભાજપનો પાલવ પકડી રાજગાદીએ બેસવું છે ?

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં રાજકીય ધમાધમી ચાલુ જ છે. કોંગી સાંસદ રાહુલ ગાંધીએ સચીન પાયલોટને કહ્યું હતુ કે અત્યારે મુખ્યમંત્રીપદ આપવુ મુશ્કેલ છે. પરંતુ ગેહલોત સરકારના શાસનના છેલ્લા ૧૮ મહિના તમને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. આ મારૂ વચન છે, પરંતુ પાયલોટ ટસના મસ ન થયા અને રાહુલની આ મધલાબમાં  હજુ સુધી ફસાયા નથી.

 કોંગ્રેસે અત્યારે તો સચીનને પક્ષ બહાર તગેડી મુકયા છે, તેની સાથે રહેલા ૧૮ ધારાસભ્યોને પણ જો પાછા નહિ ફરે તો એ જ રસ્તો બતાવશે. દરમિયાન સચીન માટે હવે બે જ રસ્તા છે. એક તો ભાજપનો ભગવો પહેરી લ્યે  જે તેમને  ગમે તે કારણોસર મંજુર નથી તો હવે છેલ્લો રસ્તો નવો પક્ષ રચી, ગેહલોત સરકારમાં વધુ છીંંડા પાડી અને ભાજપ સાથે હાથ મીલાવી ભવિષ્યમાં રાજસ્થાનના મુખ્યમંત્રી બનવું. જો કે તે પણ સહેલુ નથી જ.

પ્રિયંકા ગાંધીએ પણ જુના સાથી સચીનને મનાવવા ભરચકક પ્રયાસ કર્ર્યા હતા. એ માટે જ સોમવારે સવારે ૧૦ વાગે વિધાનસભા પક્ષની બેઠક રાખી હતી તે નિયત સમયથી મોડી શરુ થયેલ.

વાસ્તવમાં પ્રિયંકા ગાંધીએ જ ફોન કરી જયપુર ખાતેની કોંગી ધારાસભા પક્ષની બેઠક મોડી શરૂ કરવા કહ્યું હતુ. પ્રિયંકા પોતાના સ્તરે પાયલોટને મનાવી રહયા હતા. સમગ્ર  ગાંધી પરિવારે અને અહેમદભાઇ પટેલે ભરચકક પ્રયાસ કર્યા પણ સચીન પાયલોટ માનેલ નહિ. તેથી મન મકકમ કરી અંતે સચીન પાયલોટને પક્ષમાંથી અન ઉપમુખ્યમંત્રી પદેથી હાંકી કાઢેલ.

આમ જયોતિરાદિત્ય સિંધીયા પછી પરીવારના જ સભ્ય એવા સચીન પાયલોટને પણ ગાંધી પરિવાર મનાવી શકયો નહિ. તે આગમના એંધાણ દર્શાવે છે.

(4:13 pm IST)