Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ફોટોગ્રાફીની અનોખી ચાહતઃકેમેરા-શેપના ઘરમાં રહેતા આ ફોટોગ્રાફરના દીકરાઓના નામ છે નિકોન, કેનન અને એપ્સન

કર્ણાટકના બેલગામમાં રહેતા ૪૯ વર્ષના ફોટોગ્રાફર રવિ હોંગલની ફોટોગ્રાફીની ચાહત એવી જબરદસ્ત છે કે તેણે પોતાનું ઘર પણ કેમેરાના આકારનું બનાવ્યું છે અને તેના દીકરાઓનાં નામ નિકોન, કેનન અને એપ્સન રાખ્યાં છે. વિન્ટેજ કેમેરાના આકારનું ભવ્ય ઘર બનાવવા માટે રવિએ ૭૨ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. એ ઘરની બારીઓ કેમેરાના લેન્સ જેવી છે. એ ઉપરાંત એમાં ફ્લેશ અને જંગી કદનું એસડી કાર્ડ પણ છે.

બેલગામના સ્થાનિક ન્યુઝ-બ્લોગમાં જણાવવામાં આવ્યા પ્રમાણે રવિ હોંગલ બાળપણમાં ભણવામાં હોશિયાર નહોતો, પણ તેને ફોટોગ્રાફીનો જબરો શોખ હતો. રવિ પેન્ટાકસ અને ઝેનિથ કેમેરા લઈને બહાર નીકળી પડતો અને તસવીરો લેતો રહેતો. તેને એવો આત્મવિશ્વાસ હતો કે તે ભણવામાં આગળ નહીં વધે તો પણ ફોટોગ્રાફી દ્વારા તે સારી કમાણી કરી લેશે. તેનો એ આત્મવિશ્વાસ સાચો ઠર્યો હતો. તેણે ફોટોગ્રાફીનો ધંધો શરૂ કરતાં થોડાં વર્ષોમાં જોરદાર જમાવટ કરી. પત્ની રાનીના નામે સ્ટુડિયો શરૂ કર્યો. રવિએ તેના ત્રણ દીકરાનાં નામ જાણીતી કેમેરા કંપનીઓનાં નામે રાખ્યાં છે. ખાસ કરીને રવિના ઘરનું ઇન્ટીરિયર જોતાં તેની ફોટોગ્રાફી અને કેમેરા માટેની ચાહત ઉજાગર થાય છે.

(4:03 pm IST)