Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

દેશના કુલ કેસો પૈકી ૮૬% ટકા કેસ માત્ર ૧૦ રાજયોમાં છેઃ રિકવરી રેટ પર સુધરીને ૬૩%

૮૬% કેસ ધરાવતા રાજયોમાં મહારાષ્ટ્ર અને તમિલનાડૂ સૌથી પ્રભાવિત રાજયો

નવી દિલ્હી, તા.૧૫: કોરોના સંક્રમણના વધી રહેલા કેસો દરરોજ નવો રેકોર્ડ બનાવે છે, પરંતુ કેન્દ્ર સરકાર દાવો કરી રહી છે કે, ભારત હજુ પણ એવા દેશોની યાદીમાં સામેલ છે જયાં ૧૦ લાખની વસતી પર કોરોના સંક્રમણના સૌથી ઓછા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલય કોરોનાની સ્થિતિ પર પ્રેસ બ્રીફિંગમાં વિગતવાર માહિતી આપતા જણાવ્યુ છે કે, દેશમાં ૮૬% કોરોના કેસ માત્ર ૧૦ રાજયો સુધી સિમિત છે, એવુ નથી કે દરેક રાજય કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ગયુ છે.

સ્વાસ્થ મંત્રાલયના જણાવ્યા મુજબ દેશના કુલ કેસો પૈકી ૮૬% કેસ ધરાવતા રાજયોમાં મહારાષ્ટ્ર અને તમિલનાડૂ સૌથી પ્રભાવિત રાજયો છે. આ બંને રાજયોમાં જ દેશના ૫૦ ટકા કેસ સામે આવ્યા છે. જયારે બાકીના ૩૬ ટકા કેસ  કર્ણાટક, દિલ્હી, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં છે. અન્ય રાજયોમાં આ ૧૦ રાજયોની સરખામણીએ કેસો અંકુશમાં છે.

જોકે સ્વાસ્થ મંત્રાલયના જણાવ્યા મુજબ રાહત આપતા સમાચાર એ છે કે દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓમાં સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે, દેશમાં રિકવરી રેટ સતત વધીને ૬૩ ટકાને પાર પહોંચી ગયો છે. મંત્રાલય મુજબ સંક્રમિત ૨૦ રાજયોમાં રિકવરી રેટ ૬૩.૦૨ ટકા છે, જેમાં ૮૭ ટકા રિકવરી રેટ સાથે લદાખ ટોપ પર છે.

સ્વાસ્થ મંત્રાલયે વધતા કેસો પર સ્પષ્ટતા કરી હતી કે, માત્ર વધતા કેસોના આંકડા પર ધ્યાન ન આપવુ જોઇએ, માર્ચમાં ડેલી ગ્રોથ રેટ ૩૧ ટકા હતો જે મે મહિનામાં ૯ ટકા રહ્યો અને મેમાં માત્ર ૪.૮૨ ટકા હતો.

(10:16 am IST)