Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

સરકારી નોકરીઓમાં ગરીબોને મળશે ઉંમરમાં છુટછાટ

સામાન્ય વર્ગના ગરીબ અરજદારો માટે સારા સમાચારઃ OBCની જેમ મહત્તમ વયમર્યાદામાં છુટ આપવા સરકાર વિચારે છેઃ સામાજીક ન્યાય મંત્રાલયે કાર્મિક મંત્રાલયને લખ્યો પત્રઃ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં-અંકોમાં રાહત આપવા પણ સરકારની વિચારણામાં

નવી દિલ્હી, તા.૧પઃ સામાન્ય વર્ગમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. તેમને પણ ઓબીસીની જેમ જ નોકરીઓમાં અધિકત્તમ વય મર્યાદામાં છૂટ મળી શકે છે. કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારીના મંત્રાલયે આ અંગે એક પત્ર લખ્યો છે. જણાવી દઇએ કે સરકારી નોકરીમાં ભરતીમાં ઓબીસીને વયમર્યાદામાં ત્રણ વર્ષ અને એસ સી-એસટીના અરજદારોને પ વર્ષની છૂટ મળે છે.

સામાજીક ન્યાય અને અધિકારીના પ્રધાન થાવર ચંદ ગેહલોતે લોક ફરિયાદ અને પેન્શન વિભાગના રાજયકક્ષાના પ્રધાન ડોકટર જીતેન્દ્રસિંહને લખેલા આ પત્રમાં કહેવાયું છે કે સરકારી ભરતીઓમાં ઇ ડબલ્યુ એસ વર્ગના અરજદારોને વય મર્યાદામાં છુટ આપવા માટેની અરજીઓ ઘણા લોકો પાસેથી મળેલી છે. બધા સંબંધિત પ્રાધિકારીઓને આ અંગે તાત્કાલિક આવશ્યક કાર્યવાહી કરવાના આદેશ કરવામાં આવે.

નોકરીઓ માટેની કોમ્પીટીટીવ એકઝામમાં અનામત વર્ગના ઉમેદવારોને માર્કમાં પણ છૂટછાટ આપવામાં આવે છે. પણ ઇડબલ્યુ એસ અનામતમાં આવી કોઇ જોગવાઇ નથી. જોકે સામાજીક ન્યાય મંત્રાલયે અત્યારે ફકત વયમર્યાદાનો મુદો જ લીધો છે પણ લોક ફરિયાદ મંત્રાલય આ અંગે પણ વિચાર કરી શકે છે કેમ કે અન્ય વર્ગના અનામતમાં આવી સુવિધા અપાઇ છે.

હાલ OBCને ૩ વર્ષની ઉંમરમાં છુટ મળે છે જયારે અનુ.જાતિ અને જનજાતિના ઉમેદવારોને પ વર્ષની ઉંમરમાં છુટ મળે છે.

(3:30 pm IST)