Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

બિહારમાં ભારે વરસાદ-પૂરપ્રકોપથી 21ના મોત: સીએમ નીતીશકુમારે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું

નેપાળથી બિહાર આવતી આઠ મુખ્યનદીઓમાં પુરનો પ્રકોપ :નવ જિલ્લાના લાખો લોકોને અસર

પટના :નેપાળમાં પડી રહેલા વરસાદની અસર બિહારમાં જોવા મળી છે. નેપાળમાંથી બિહાર આવતી આઠ પ્રમુખ નદીઓમાં પૂર આવ્યું છે. જેના કારણે બિહારના નવ જિલ્લાના લાખો લોકો આ પૂરની ઝપટમાં આવી ગયા છે.

   બિહારમાં પૂરની સમસ્યા વધુને વધુ વિકટ બની રહી છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન નીતિશકુમારે રવિવારે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. તેમણે દરભંગા, મધુબની, શીવહર, સીતામઢી અને મોતીહારી જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોનો એરીયલ સર્વે કર્યો હતો. આ ઉપરાંત નીતિશ કુમારને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી માટે એક ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજી હતી

  આ દરમિયાન પૂરના કારણે રાજ્યમાં કુલ 21 લોકોનો મોત નિપજ્યા છે. કોસી અને બાગમતી સહિત રાજ્યની પ્રમુખ નદીઓમાં આવેલા પૂરના કારણે ઉત્તર બિહારના દરભંગા, મધુબની, શિવહર, સીતામઢી, અરરિયા, પૂર્વી ચંપારણ, કિશનગંજ, સુપૌલ અને મુઝફ્ફરપુર જિલ્લાના નિચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે

   વીરપુરની નજીક નેપાળના કોસી બેરેજમાંથી ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.. બેરેજના તમામ 56 ગેટ ખોલી નાંખવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું કે રાજ્યના નવ જિલ્લામાં 352 પંચાયતના 18 લાખ જેટલા લોકો પૂરની ઝપટમાં છે. આ જિલ્લાઓમાં કુલ 152 રાહત કેન્દ્ર બનાવાયા છે. જેમાં 45 હજાર લોકોને શરણ આપવામાં આવી છે.

(12:00 am IST)