Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

હોય નહીં ! : મધ્ય પ્રદેશમાં નકલી રેમડેસિવિર ઈન્જેક્શનથી 90% કોરોના દર્દીઓ સ્વસ્થ થયા

જે લોકોને નકલી ઈન્જેક્શન અપાયા તેમનો સર્વાઈવલ રેટ અસલી રેમડેસિવિર ઈન્જેક્શન મેળવનારા દર્દીઓ કરતાં વધુ

ભોપાલ: કોરોનાની બીજી લહેરમાં રેમડેસિવિર ઈન્જેક્શન માટે આજે પણ દર્દીઓના સ્વજનો રઝળપાટ કરી રહ્યાં છે. આવા અપત્તિના સમયમાં અવસર શોધી રહેલા લોકો કાળાબજારી કરતા પણ અચકાતા નથી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યાં છે. ક્યાંક એક ઈન્જેક્શન માટે 50 હજાર રૂપિયા વસૂલવામાં આવી રહ્યાં છે, તો ક્યાં રેમડેસિવિરના નામે નકલી ઈન્જેક્શનો પકડાઈ દેવામાં આવી રહ્યાં છે. આ બધા વચ્ચે તમને જાણીને નવાઈ લાગશે કે, મધ્ય પ્રદેશમાં જે કોરોના સંક્રમિત દર્દીઓને નકલી રેમડેસિવિર ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા. તેમાંથી 90 ટકા દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે.

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ, ગુજરાતની એક ગેંગ દ્વારા મધ્ય પ્રદેશમાં નકલી રેમડેસિવિર સપ્લાય કરવામાં આવ્યા હતા. મધ્ય પ્રદેશ પોલીસે તપાસ બાદ જણાવ્યું કે, જે દર્દીઓને આ નકલી ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા, તેમાંથી 90 ટકા લોકો રિકવર થઈ રહ્યાં છે.

જો કે કાળાબજારીનો પર્દાફાશ થયા બાદ શિવરાજ સરકારે આરોપીઓ પર હત્યાનો ગુનો નોંધવાનો આદેશ આપી દીધો છે. ઈન્દોર અને જબલપુરથી કેટલાક આરોપીઓની ધરપકડ કરવા કરવામાં આવી છે

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, જે લોકોને નકલી ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા, તેમનો સર્વાઈવલ રેટ અસલી રેમડેસિવિર ઈન્જેક્શન મેળવનારા દર્દીઓ કરતાં વધુ છે. પોલીસે જણાવ્યું કે, અમે મેડિકલ એક્સપર્ટ તો નથી, પરંતુ ડૉક્ટરોએ આ બાબતે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. નકલી ઈન્જેક્શનમાં બીજુ કંઈ નહીં, પરંતુ પાણી, ગ્લુકોઝ અને સોલ્ટનું મિશ્રણ હતુ.

 

જે દર્દીઓને આવા નકલી ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા, તેમાંથી 10ના મોત તો 100થી વધુ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. જે દર્દીઓ મોતને ભેટ્યા છે, તેમને દફનાવી દેવામાં આવ્યા છે. આથી એ કહેવું મુશ્કેલ છે કે, આ ઈન્જેક્શનની તેમના પર કોઈ આડઅસર થઈ હતી કે કેમ?

આ મામલે કેન્દ્રએ પણ રાજ્યને કહ્યું હતું કે, રેમડેસિવિર ઈન્જેક્શનથી દર્દીઓ જલ્દી સ્વસ્થ થઈ શકે છે, પરંતુ તેના કારણે સંપૂર્ણ સ્વાસ્થ્ય સુધરે છે કે કેમ? તે અંગે કશું કહી શકાય તેમ નથી. 

કોરોના મહામારીની બીજી લહેરમાં લોકોને લાગે છે કે, રેમડેસિવિર દર્દીઓ માટે સંજીવની છે. આથી તેને મેળવવા માટે રઝળપાટ કરી રહ્યાં છે. એવામાં ઈન્જેક્શનની માંગ વધતા તેના ભાવ આકાશે આંબી ગયા છે અને કાળા બજારી પણ થવા લાગી છે. આખરે સરકારે આ ઈન્જેક્શનની કિંમતો ઓછી કરવા માટેના પગલા ભર્યા. આમ છતાં આજે પણ લોકો રેમડેસિવિર માટે ભટકી રહ્યાં છે.

(6:53 pm IST)