Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

નવી આશા, નવો ઉમંગ તથા નવી દુનિયા

લોકડાઉન ખૂલવાનું કાઉન્ટડાઉન : 'સુહાની સફર' તથા 'કમ્ફર્ટ લાઇફ' આપવા એવીએશન-હોટલ ઇન્ડસ્ટ્રી સજ્જ

દિલ્હી એરપોર્ટના અધિકારીઓ દ્વારા આકાશમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ, પ૦ ટકા જ પેસેન્જર્સ રાખવા, ખાલી રહેતી સીટ પર નિશાની, કાર્ગો લગેજ પર પાબંધી વિગેરે પરિબળો ઉપર સર્વેક્ષણ : હોટલ સર્વિસ પ્રવાઇડર્સ દ્વારા હોટલ્સમાં સેનિટાઇઝેશન, સુરક્ષા વ્યવસ્થા, કલાયન્ટ્સનો વિશ્વાસ વિગેરે બાબતે ઓનલાઇન-વર્ચ્યુઅલ મિટીંગનું આયોજન

રાજકોટ તા. ૧પ :  ભારત સહિત સમગ્ર દુનિયામાં વૈશ્વિક મહામારી કોરોના (COVID 19) ને કારણે અંદાજે પોણા ત્રણ લાખ ઉપર લોકોના મૃત્યુ થયા  છે અને લાખો લોકો કોરોનાગ્રસ્ત બની ગયા છે. કવોરન્ટાઇન તથા આઇસોલેશનના તબકકામાંથી લોકો પસાર થઇ રહ્યા છે. કોરોના સામે તકેદારીરૂપે સતત લોકડાઉન પણ ચાલી રહ્યું છે.

કોરોના તથા લોકડાઉનની નકારાત્મક અસર મોટાભાગના તમામ ક્ષેત્રો અને બિઝનેસ ઉપર પડી છે. જેમાં ટુરીઝમ ઇન્ડસ્ટ્રીને અબજો-ખરબો રૂપિયાનું નુકશાન સહન કરવાનો સમય આવ્યો છે. જેમાં એવીએશન, હોટલ, ફુડ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર્સ-એજન્ટસ, સર્વિસ પ્રવાઇડર્સ, રેલ્વે, બસ વિગેરેનો  સમાવેશ થાય છે.

તાજેતરમાં સરકાર દ્વારા લોકડાઉનમાં છૂટછાટ આપવાની વાતો સંભળાઇ રહી છે. લોકડાઉન ૩.૦ ખૂલવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે નવી આશા, નવો ઉમંગ તથા નવી દુનિયાનો અહેસાસ કરવા એવીએશન તથા હોટલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દોડવાનું શરૂ થયું છે. દેશના એવીએશન તથા હોટલ સર્વિસ પ્રવાઇડર્સ કાયદાની મર્યાદામાં રહીને લોકોને ફરી પાછી 'સુહાની સફર' તથા 'કમ્ફર્ટ-લકઝુરીયસ લાઇફ' આપવા સજ્જ બની રહ્યા છે.

જાણવા મળતી માહિતી મુજબ ભારતની રાજધાની નવી દિલ્હી ખાતેના એરપોર્ટના અધિકારીઓ લોકડાઉન ૩.૦ પછી તથા નવા રંગરૂપ સાથેના લોકડાઉન ૪.૦ માં ફલાઇટ શરૂ કરવા માટે સર્વાંગી સર્વેક્ષણ  તથા વિશ્લેષણ કરી રહ્યા છે.

આ સર્વેક્ષણમાં વિવિધ ફલાઇટસમાં આકાશમાં પણ સોશ્યલ ડીન્ટન્સીંગનું પાલન કઇ રીતે કરાવી શકાય ? ફલાઇટની કેપેસીટી કરતા અડધો અડધ એટલે કે પ૦ ટકા પેસેન્જર્સને જ ફલાય કરવા છૂટ આપવી, ફલાઇટમાં આયોજનપૂર્વક ખાલી રાખેલ સીટ્સ (બેઠકો) ઉપર નિશાની રાખીને પેસેન્જર્સને અવેર કરવા, કાર્ગોમાં રાખવામાં આવતા લગેજને છૂટ ન આપવી વિગેરે બાબતોનો સમાવેશ થાય છે. જો કે તાજેતરમાં જ સરકાર દ્વારા જાહેર કરાયેલ ગાઇડલાઇન મુજબ ફલાઇટમાં માત્ર હેન્ડ લગેજને લઇ જવાની છૂટ આપી શકાય. કાર્ગો લગેજ માટે વિચાર માંગી લે તેવું છે.

આ ઉપરાંત સમગ્ર દેશમાં બહોળુ નેટવર્ક ધરાવનાર 'ઓયો' રૂમ્સ સહિતના હોટલ સર્વિસ પ્રવાઇડર્સ પોતાના પાર્ટનર્સ તથા સંબંધિત લોકો- ઓથોરીટી સાથે ઓનલાઇન - વર્ચ્યુઅલ મિટીંગ કરી રહ્યાનું જાણવા મળે છે.

આ મિટીંંગમાં તમામ હોટલ્સ-'ઓયો' રૂમ્સને નિયમ મુજબ સેનીટાઇઝ કરવા, યાત્રિકો - મહેમાનોની કોરોના સંદર્ભે સહિત તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવી અને જાળવવી, કલાયન્ટસ (ટ્રાવેલ એજન્ટસ, ટૂર ઓપરેટર્સ, સહેલાણીઓ, પેસેન્જર્સ - લોકો વિગેરે)નો વિશ્વાસ સતત જળવાઇ રહે તે માટેના પગલા અને તકેદારી વિગેરે  તમામ બાબતો ઉપર વિસ્તૃત અને ઊંડાણપૂર્વક ચર્ચા થઇ રહી હોવાનું જાણવા મળે છે.

'આત્મ નિર્ભરતા' તથા 'જાન હે તો જહાન હે' સૂત્ર મુજબ ટ્રાવેલ સેકટર સહિતના તમામ સેકટર્સ દ્વારા પોતપોતાની રીતે બિઝનેસ કારોબાર શરૂ કરવાનું આયોજન ચાલુ કરી દીધાનું દેખાઇ રહયું છે. જેમાં એવીએશન તથા હોટલ ઇન્ડસ્ટ્રી પણ બાકાત નથી.

ફરી પાછા હસતા - ખીલતા ચહેરા સાથે અને ઉત્સાહ-ઉમળકાભેર લોકો કોરોના સામે તકેદારી રાખીને ફરવા નિકળી પડે તેવા  દૃશ્યો જોવા માટે લોકો, દુનિયા, સહેલાણીઓ,  ટૂર ઓપરેટર્સ, ટ્રાવેલ એજન્ટસ, બસ - રેલ્વે સ્ટેશન તથા એરપોર્ટનો તમામ સ્ટાફ વિગેરેની આંખો તરસી રહી છે.

દિલ્હી એરપોર્ટ ખાતેનું ટર્મીનલ ટી ૩ શરૂ થશેઃ ટીકીટ બુકીંગ માટે વિચારણા

'ટ્રાવેલ માર્કેટ' સાથે સંકળાયેલ સૂત્રો જણાવી રહ્યા છે કે ચર્ચા-વિચારણા બાદ ટૂંક સમયમાં દિલ્હી એરપોર્ટ ખાતેનું ટર્મીનલ ટી ૩ શરૂ કરવાની યોજના ચાલી રહી છે. સાથે-સાથે એરલાઇન્સની ફલાઇટ ટીકીટનું બુકીંગ પણ શરૂ કરી દેવાની વિચારણા ચાલે છે. સમય-સંજોગોને આધીન ધીધે-ધીમે એક પછી એક ટર્મીનલ શરૂ કરવામાં આવશે તેવી પણ ચર્ચા છે.

પોણા બે લાખ 'ઓયો' રૂમ્સ ઉપલબ્ધ બનશેઃ સેનેટાઇઝ કરાશે

જાણવા મળતી માહિતી મુજબ 'ઓયો' રૂમ્સ સહિતના હોટલ સર્વિસ પ્રવાઇડર્સ ટુરીઝમ ઇન્ડસ્ટ્રીને ધમધમતી કરવા કમર કસી રહ્યા છે. જેના  ભાગરૂપે  લોકોની સેવા માટે એક લાખ બોતેર હજાર જેટલા સેનિટાઇઝેશન સાથેના 'ઓયો' સહિતના રૂમ્સ ટૂંક સમયમાં ઉપલબ્ધ બની જશે. તમામ રૂમ્સ કોરોના સામેની તકેદારીરૂપેના પગલા સાથેના હશે તેવું જાણવા મળે છે.

(3:02 pm IST)