Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

વર્લ્ડ બેંકે ભારત માટે જાહેર કર્યું ૧ અરબ ડોલરનું પેકેજ

કોરોના સંકટ વચ્ચે ઇમરજન્સી સહાયતા ફંડ

નવી દિલ્હી તા. કોરોના સંકટની વચ્ચે ભારતને વર્લ્ડ બેન્કે મોટી રાહત આપી છે. સરકારના કાર્યક્રમો માટે વર્લ્ડ બેન્કે એક અબજ ડોલરના પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ સામાજિક સુરક્ષા પેકેજ હશે. આની પહેલાં કોરોના સામે જંગ માટે ભારતને બ્રિકસ દેશોની ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક (NDB)એ એક અબજ ડોલરની ઇમરજન્સી સહાયતા ફંડ આપવાની જાહેરાત કરી હતી.

વિશ્વ બેન્કના એક અબજ ડોલર (અંદાજે ૭૬૦૦ કરોડ) સામાજિક સુરક્ષા પેકેજનો ઉપયોગ દેશમાં કોરોનાના દર્દીઓની શ્રેષ્ઠ તપાસ, કોવિડ-૧૯ હોસ્પિટલ અને લેબ બનાવામાં કરી શકાય છે. વર્લ્ડ બેન્કે પહેલાં જ ૨૫ વિકાસશીલ દેશોને પેકેજ આપવાનો પ્રસ્તાવ મૂકયો હતો.

ન્યૂ ડેવલપમેન્ટ બેન્કે ભારતને એક અબજ ડોલરની ઇમરજન્સી સહાયતા રકમ આપવાની જાહેરાત કરી હતી. તેનું કહેવું હતું કે આ લોન એટલા માટે આપવામાં આવી રહી છે જેથી કરીને ભારતને કોવિડ-૧૯ને પ્રસાર રોકવામાં મદદ મળે અને કોરોના વાયરસ મહામારીથી થનાર માનવીય, સામાજિક અને આર્થિક નુકસાનને ઓછું કરી શકાય.

આ સિવાય એશિયન વિકાસ બેન્ક (ADB) એ કોરોનાથી મદદ મેળવવા માટે ભારતને ૧.૫ અબજ ડોલરનું પેકેજ આપવાની જાહેરાત કરી હતી. તેનો ઉદ્દેશ્ય ભારત સરકારને COVID-19ના પ્રસારને રોકવાની લડાઇમાં સામેલ કરવા અને કોરોના વાયરસના લીધે થનાર માનવીય, સામાજિક, અને આર્થિક નુકસાનને ઓછું કરવાનું છે.

(1:09 pm IST)