Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

વૈદિક મંત્રોચ્ચાર સાથે બદ્રીનાથધામના કમાડ ખુલ્યાઃ પહેલી પૂજા નરેન્દ્રભાઇ તરફથી કરવામાં આવી

બદ્રીનાથ મંદિરને ૧૦હજાર ફુલોથી સજાવવામાં આવ્યું: ૨૮ થી ૩૦ લોકોની ઉપસ્થિતિમાં કમાડ ખુલ્યાઃ ટિહરી રાજ પરિવાર તરફથી આવેલાં તલના તેલથી ભગવાન બદ્રીનાથનો અભિષેક થયોઃ કોરોના મહામારી માટે વિશેષ પૂજા

નવીદિલ્હીઃ આજે વહેલી સવારે ૪.૩૦ વાગ્યે બદ્રીનાથ ધામના કમાડ ખોલવામાં આવ્યાં છે. કમાડ ખોલવાની વિધિ રાતે ૩ વાગ્યાથી શરૂ થઇ ગઇ હતી. રાવલ ઈશ્વર પ્રસાર નંબૂદરી દ્વારા વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી. આ દરમિયાન ગુરુ શંકરાચાર્યની ગાદી, ઉદ્વવજી, કુબેરજીની પૂજા પણ કરવામાં આવી. કમાડ ખોલ્યા બાદ લક્ષ્મી માતાને પરિસરમાં સ્થિત મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યાં. ભગવાન બદ્રીનાથનો તલના તેલથી અભિષેક કરવામાં આવ્યો.

 ભગવાન બદ્રીવિશાલની પહેલી પૂજા વડાપ્રધાન નરેન્દ્રભાઇ તરફથી કરવામાં આવી હતી. પૂજામાં દેશના કલ્યાણ આરોગ્યતા માટે પ્રાર્થના કરવામાં આવી. ઓનલાઇન બુક થયેલી પૂજાઓ ભકતોના નામે કરવામાં આવી. પ્રદેશના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત, ટૂરિઝમ મંત્રી સતપાલ મહારાજે શ્રી બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા તેના માટે શુભકામનાઓ પાઠવી હતી.

ધર્માધિકારી ભુવનચંદ્ર ઉનિયાલ પ્રમાણે શ્રીબદ્રીનાથ ધામના કમાડ મનુષ્ય પૂજા માટે સવારે ૪.૩૦ વાગ્યે ખુલ્લાં કરી દેવામાં આવ્યાં છે. ઉત્ત્।રાખંડ ચારધામ દેવસ્થાનમ્ બોર્ડના મીડિયા અધિકારી ડો. હરીશ ગૌડે જણાવ્યું કે, ઋષિકેશની શ્રી બદ્રીનાથ ફૂલ સેવા સમિતિ દ્વારા ૧૦ હજાર કિલોથી વધારે ફૂલોથી મંદિરને સજાવવામાં આવ્યું હતું.

દર વર્ષે હજારો ભકતો સામે અહીં કમાડ ખોલવામાં આવે છે, પરંતુ આ વર્ષે લોકડાઉનના કારણે કમાડ ખોલતી વખતે લગભગ ૨૮ લોકો જ ઉપસ્થિત હતાં. રાવલ નંબૂદરી, ધર્માધિકારી ભુવનચંદ્ર ઉનિયાલ સિવાય અહીં મંદિર સમિતિના લોકો, શાસન-પ્રશાસનના અધિકારી અને થોડાં ક્ષેત્રવાસી અહીં ઉપસ્થિત હતાં. બધાએ માસ્ક પહેર્યાં હતાં અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું હતું.

કમાડ ખુલ્યા બાદ બદ્રીનાથ સાથે જ ભગવાન ધનવંતરિની પણ વિશેષ પૂજા કરવામાં આવી. ધનવંતરિ આયુર્વેદના દેવતા છે. દુનિયાભરથી કોરોના મહામારીને દૂર કરવા માટે આ પૂજા રાવલ નંબૂદરી દ્વારા કરવામાં આવી. બદ્રીનાથજીનો તલના તેલથી અભિષેક થાય છે અને આ તેલ અહીં ટિહરી રાજ પરિવાર તરફથી આવે છે. ટિહરી રાજ પરિવારના આરાધ્ય દેવ બદ્રીનાથજી છે. રાવલ રાજ પરિવારના પ્રતિનિધિ તરીકે ભગવાનની પૂજા કરે છે. અહીં પરશુરામજીની પરંપરા પ્રમાણે પૂજા કરવામાં આવે છે.

અહીં બદ્રીનાથજીની પૂજા કરનાર પૂજારીને રાવલ કહેવામાં આવે છે. આદિ ગુરુ શંકરાચાર્યે ચારેય ધામના પૂજારીઓ માટે વિશેષ વ્યવસ્થા બનાવી હતી. આ વ્યવસ્થા પ્રમાણે બદ્રીનાથમાં કેરળના રાવલ પૂજા માટે નક્કી કરવામાં આવે છે. માત્ર રાવલને જ બદ્રીનાથજીની પ્રતિમાને સ્પર્શ કરવાનો અધિકાર હોય છે.

(11:38 am IST)