Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કોરોના ઇફેકટઃ ટુર એન્ડ ટ્રાવેલ્સ બિઝનેસને ૧૫૦ કરોડનું નુકસાન

લોકડાઉનના કારણે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશલ બુકિંગ ૧૦૦% ટકા કેન્સલ થઇ ગયા : નોટબંધી બાદ માંડ માંડ ઊભો થયેલો બિઝનેસ ફરી વેન્ટિલેટર પર મુકાયોઃ વાઇરસના કારણે અનેક લોકોએ ટુર પેકેજ છેલ્લી ઘડીએ કેન્સલ કર્યા

મુંબઇ તા. ૧પ :.. કોરોનાની મહામારીના કારણે જાહેર કરાયેલા લોકડાઉનમાં દરેક બિઝનેશ નુકશાની વેઠી રહ્યો છે. જેમાં ટુર એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાયને પણ લગભગ રૂ. ૧પ૦ કરોડ ઉપરાંતનું નુકસાન થયું છે. જેમાં ડીસેમ્બરથી અત્યાર સુધી થનાર ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ટુરને આવરીને અંદાજ લગાવાયો છે.

નોટબંધીના કારણે બે વર્ષથી ટુર એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેશ સ્લો હતો. તેમાં કોરોના વાઇસરના કારણે અન્ય રોજગાર ધંધાને માર્ચથી ઇફેકટ થઇ હતી. પરંતુ ઇન્ટરનેશનલ ટુર પેકેજ ડિસેમ્બરથી જ કેન્સલ થવાના શરૂ થઇ ગયા હતાં. તેમ ઇએસપીએલ ટુર ટ્રાવેલ્સ ના સંચાલક પરેશ પટેલે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, વડોદરામાં અહી સો જેટલા ટુર એન્ડ ટ્રાવેલ્સના એજન્ટો છે. જે તમામની હાલત કફોડી છે. ચાઇનામાં કોરોના ફેલાયો હોવાની વાતને પગલે ફેબ્રુઆરી અને માર્ચમાં ૩પ ટકા બુકીંગ કેન્સલ થયા હતાં. ત્યારબાદ લોકડાઉન જાહેર થતાં ૧૦૦ ટકા બુકીંગ કેન્સલ થયા છે. જેના કારણે ટુર એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાયને રૂ. ૧પ૦ કરોડ ઉપરાંતનું નુકસાન થયું છે. એજન્ટોએ એડવાઇન્સમાં ચુકવેલા પૈસા પણ ફસાઇ ગયા છે. આવનારા એક વર્ષ સુધી ટુર એન્ડ ટ્રાવેલ્સના ધંધાનું ભવિષ્ય ધુંધળુ છે. ઉલ્લેખનેય છે કે, ઇન્ટરનેશલ ટુર પેકજમાં લોકો યુરોપ, શ્રીલંકા, સિંગાપોર, ભુતાન, મલેશિયા, થાઇલેન્ડ, ઇન્ડોનશીયા, દૂબઇ, સાઉથ આફ્રિકા, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુએસએ અને કેનેડા જવાનું વધુ પસંદ કરે છે.

વડોદરામાંથી પણ અનેક લોકોએ આ દેશોમાં જવા માટે ટુર પેકેજ લીધા હતાં જે હવે, કેન્સલ કરાવી દીધા છે.

એર ટિકિટમાં GST કાપી ક્રેડિટ નોટ અપાઇ છે

રેલ્વે ફલાઇટ, હોટલ અને ક્રુઝનું બુકીંગની સાથે વિદેશમાં પણ ઘણી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન બંધ છે. ફલાઇટની એડવાન્સ બુકીંગ કરાવનાર ગ્રાહકોને પૈસા પાછા આપવાની જગ્યાએ જીએસટી કાપી ક્રેડિટ નોટ અપાઇ રહી છે.

મધ્યમ વર્ગના લોકો પણ ભેરવાયા

ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો હવાઇ મુસાફરી કરવા માટે લાંબા સમયથી આયોજન કરતાં હોય છે તેમજ ધીરેધીરે બચત કરીને પૈસા ભેગા કરી ટુર પેકેજ બુક કરાવતા હોય છે. જેથી ટ્રીપ કેન્સલ થતાં તેઓ પૈસા પાછા માગી રહ્યા છે.

અમરનાથ, ચારધામ અને કૈલાસ માનસરોવર યાત્રાને પણ કોરોનાનું ગ્રહણ

ટુર ઓપરટર દિગ્વિજયસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ઉનાળુ વેકેશન અને મે - જુનથી અમરનાથની સાથે ચાર ધામ અને કૈલાસ માનસરોવર યાત્રા પણ શરૂ થઇ જાય છે. યાત્રા પણ શરૂ થઇ જાય છે. યાત્રા માટે નેપાળ, ચાઇના અને તિબેટના વિઝા લાગે છે. પરંતુ આ યાત્રાધામોને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.

હનીમૂન પેકેજ રદ થયા

ડિસેમ્બર બાદ ઉનાળામાં પણ ઘણા લગ્ન સમારોહ યોજાતા હોય છે. જેના કારણે લોકો દોઢ બે મહિના પહેલા મોરેસિયસ, સાઉથ આફ્રિકા, દૂબઇ, બાલી, માલદીવની હનીમુન ટુર બુક કરાવી દેતા હોય છે. પરંતુ  કોરોનાના કારણે હનીમુન પેકેજ પણ રદ થઇ ગયા છે તેમજ વેકેશનના બુકીંગ પણ રદ થયા છે.

બે સમર વેકેશનથી મારી ટુર કેન્સલ થઇ રહી છે

ગયા વેકેશનમાં થાઇલેન્ડ જવાનું નકકી કરી ટુર બુક કરાવી તો મારો પાસપોર્ટ જ સમયસર ન આવ્યો જેના કારણે ટુર કેન્સલ કરવી પડી હતી. આ વર્ષે તા. ર૯ માર્ચે દુબઇ જવાનું હતું હવે કોરોનાના લોકડાઉનના કારણે તે પણ રદ થયું છે.

-કેસર ભાવનાણી, વિદ્યાર્થીની

એક વર્ષ સુધી ફરવાના પ્લાન બને તેવું લાગતું નથી

મારી પુત્રી ધો. ૧રમાં હોવાથી અમે જબલપુર અને કાન્હા નેશનલ પાર્કનું સાત દિવસનું પેકેજ કરાવ્યું હતું તે પણ હવે રદ કરાવ્યું છે હવે તો આગામી એક વર્ષ સુધી દેશમાં કે વિદેશમાં કયાંય પણ ફરવા જવાનો કોઇ પ્લાન બની શકે તેમ નથી.

-નિલેશ પટેલ, બિલ્ડર

આર્કિટેકટનો ચાઇના પાસેથી માલ ન લેવા નિર્ણય

વડોદરાના અનેક વેપારીઓ તથા બિલ્ડરો ચાઇનાથી ફર્નીચર રમકડા અને સુશોભન સહિતની ચીજ વસ્તુઓ લાવે છે પરંતુ કોરોના વાઇરસના કારણ હવે શહેરના વેપારીઓ તેમજ મોટાભાગના આર્કિટેકટ દ્વારા ચાઇનથી ખરીદી બંધ કરવાનો નિર્ણય લીધો છે.

-બ્રિજેશ શાહ, આર્કિટેકટ

(10:32 am IST)