Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

મત મશીન સામે ભાજપ વિરોધીઓનો અવાજ 'બુલંદ' બનશે

ભાજપનું સામ્રાજય વધારવામાં ઇ.વી.એમ.નું 'યોગદાન' હોવાના આક્ષેપો સૂચક : મોટી ચળવળની સંભાવના

રાજકોટ, તા. ૧પઃ સમગ્ર દેશમાં ભાજપનું વર્ચસ્વ વધી રહ્યું છે. કોંગ્રેસના હાથમાંથી એક પછી એક રાજયો સરકી રહ્યા છે. આજે જાહેર થયેલ કર્ણાટક વિધાનસભાના પરિણામથી ફરી એક વખત મત મશીન સામે આંગળી ચીંધવાનો રાજકીય વિરોધીઓને મોકો મળ્યો છે. એપ્રિલ -ર૦૧૯માં લોકસભાની ચૂંટણી આવી રહી છે તે પૂર્વે મત મશીન સામે ભાજપ વિરોધીઓનો અવાજ બુલંદ બને તેવા એંધાણ વર્તાય રહ્યા છે.

મત મશીન બાબતે અવારનવાર આક્ષેપો થતાં રહે છે. ભાજપને ફાયદો થાય તેવી કોઇ 'ગોઠવણ' હોવાનું કોઇ સાબિત કરી શકયું નથી પણ અમૂક રાજયો અને બેઠકોના જે પરિણામ આવી રહ્યા છે તેનાથી મત મશીન બાબતની શંકાને બળ મળે છે.

મશીન બનાવનાર કંપનીના પોતાના દેશની ચૂંટણીમાં મત મશીનનો ઉપયોગ થતો નથી. ત્યાં બેલેટ પેપરથી મતદાન થાય છે. મત મશીન વિરોધી દલીલ કરનારાઓ માટે આ સબળ મુદ્દો છે. મત મશીનના કારણે ભાજપ ફાવી જાય છે તેવા આક્ષેપો ખૂલ્લેઆમ થવા લાગ્યા છે.

બીજી તરફ ભાજપ આવા આક્ષેપોને ફગાવી વિપક્ષ સામે હાર પચાવી ન શકવાના વળતા આક્ષેપ કરે છે.

મત મશીનના બદલે જુની પદ્ધતિ મુજબ મતપેટીથી (બેલેટ પેપર) મતદાન કરાવવામાં આવે તો પરિણામ ઘણુ જુદુ હોય શકે તેવું માનનારો એક વર્ગ છે. મુકત અને ન્યાયી ચૂંટણી માટે ફરી બેલેટ પેપરથી મતદાનની પદ્ધતિ દાખલ કરાવવા આવતા દિવસોમાં સહીયારો અવાજ ઉઠે તો નવાઇ નહિ.

(3:52 pm IST)