Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

કચ્છ-ગાંધીધામ હત્યા પ્રકરણમાં મહિલાને ફાંસી

ઘરકામ બાબતે માતાએ આપેલા ઠપકાથી ઉશ્કેરાઈને પોતાની સગી બે બહેનો અને માતા ઉપર તલવારથી હુમલો કરતા માતા અને બહેનની હત્યા થઈ'તીઃ ગાંધીધામ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદોઃ કચ્છમાં મહિલાને ફાંસીને સજાની પ્રથમ ઘટના

ભૂજઃ કચ્છના ગાંધીધામમાં સગી માતા અને બહેનની હત્યા કરનારને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. તસ્વીરમાં આરોપી મંજુ કસ્તુરભાઈ ડુંગરીયા (દેવીપૂજક)એ પોતાના માતા અને બહેનની હત્યા કરી હતી તેની ફાઈલ તસ્વીર

ભૂજ, તા. ૧૫ :. કચ્છમાં સગી માતા અને બહેનની હત્યા બદલ યુવતીને દેહાંત દંડ (ફાંસીની સજા)નો હુકમ કરાતા સનસનાટી મચી ગઈ છે. ઘરકામ બાબતે માતાએ આપેલા ઠપકાથી ઉશ્કેરાઈને પોતાની સગી બે બહેનો અને માતા ઉપર તલવારથી હુમલો કરીને માતાને અને બહેનને મોતને ઘાટ ઉતારી દેતા ગાંધીધામ એડીશ્નલ સેસન્સ જજ ડી.આર. ભટ્ટે મંજુબેન કસ્તુરભાઈ ડુંગરીયા (દેવીપૂજક) નામની યુવતીને આઈપીસી કલમ ૩૦૨ હેઠળ દોષીત ઠેરવીને દેહાંત દંડની સજા ફટકારી છે. તા. ૧૭-૨-૨૦૧૭ના રોજ ગાંધીધામના નવી સુંદરપુરીમાં આવેલ સથવારાવાસમાં વહેલી સવારે ૫ વાગ્યે પુત્રીએ સગી માતા અને બહેનની તલવારના ઘા ઝીંકી હત્યા કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ તા. ૧૬-૨-૧૭ના રોજ સાંજે સાતેક વાગ્યે બહારથી ઘરે આવેલા માતા રાજીબેને પોતાની પુત્રી મંજુને ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો. ત્યારબાદ મંજુએ ગાળાગાળી કરીને પોતાની માતાને થપ્પડ મારી હતી. આ માથાકુટ બાદ પરિવારના સભ્યો જમીને સુઈ ગયા હતા. જેમાં ફરીયાદી વિજયભાઈ કસ્તુરભાઈ ડુંગરીયા (દેવીપૂજક) ઘરની બહાર સુતા હતા અને ઘરમાં તેના બહેન આરતી અને મધુ સુતા હતા, જ્યારે બીજા રૂમમાં રાજીબેન અને આરોપી મંજુબેન સુતા હતા. ત્યારે વહેલી સવારે ૫ વાગ્યે આરોપી મંજુ કસ્તુરભાઈ ડુંગરીયાએ તેની માતા રાજીબેન અને બહેન આરતીની હત્યા કરી દીધી હતી.

આ પ્રકરણમાં કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં સરકારી સાહેદોને સાંયોગીક પુરાવાના આધારે કેસ પુરવાર થતા ગાંધીધામ કોર્ટના એડી. સેસન્સ જજ ડી.આર. ભટ્ટની કોર્ટે આરોપી મંજુબેન કસ્તુરભાઈ ડુંગરીયાને તસ્કીરવાન ઠેરવીને આઈપીસીની કલમ ૩૦૨માં દેહાંત દંડની સજા તથા આઈપીસી કલમ ૩૦૭માં પાંચ વર્ષની સજા તથા રૂ. ૨૦૦નો દંડ ફટકાર્યો છે. સરકાર તરફથી ધારદાર દલીલો વકીલ કુ. હિતેશી પી. ગઢવીએ કરી હતી.

ર૦૦૪માં ૪ પાકિસ્તાનીઓને થઇ હતી ફાંસીની સજા

ભુજ, તા. ૧પ  :. આજે ગાંધીધામની કોર્ટમાં ફાંસીની સજાનો ધાક બેસાડતો ચૂકાદો આવ્યો છે ત્યારે કચ્છમાં અગાઉ વર્ષ ર૦૦૪માં ચાર પાકિસ્તાનીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. આ કેસ સંદર્ભે ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રી રત્નાકર ધોળકીયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૯૯ના કેસમાં છ પાકિસ્તાનીઓ ભારતમાં હથીયારો અને આરડીએકસની ઘુસણખોરીમાં ઝડપાયા હતા. જેમાંથી બે ગુનેગારો જેલ તોડીને ભાગી છૂટયા હતાં. જયારે ચાર પાકિસ્તાનીઓને ભુજની સેશન્સ કોર્ટમાં એડવોકેટ વી.એમ. ચૌધરીએ ફાંસીની સજા ફટકારી હતી. જો ક, આ કેસમાં ગુનેગારોએ હાઇકોર્ટમાં રીટ કરતા કોર્ટે તેમની ફાંસીની સજા આજીવન કેદમાં તબદીલ કરી હોવાનું રત્નાકરભાઇ ધોળકીયાએ જણાવ્યું હતું.

(3:17 pm IST)