Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

લોકસભામાં વિપક્ષના વિરોધ વચ્ચે ચર્ચા વગર નાણાકીય બિલ પસાર કરી દેવાયુ

સંસદીય ભાષામાં 'ગિલોટીન' મારફતે પસાર કરાયું: વિપક્ષે કર્યો ઉગ્ર વિરોધ : જેટલીએ નાણાકીય બિલમાં ૨૧ સુધારા સાથેની દરખાસ્ત રજુ કરી ધ્વનિમતથી મંજુરી આપી દેવાઇ

નવી દિલ્હી તા. ૧૫ : સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો ચાલુ છે પરંતુ વિપક્ષના હોબાળાના કારણે બંને ગૃહોની કાર્યવાહીમાં સતત અડચણો આવી રહી છે. લોકસભા અને રાજ્યસભા સ્પીકરની ચેતવણી અને છતાંય વિપક્ષના વલણમાં ફેરફાર કોઇ ફેર થયો નથી. આજે પણ બંને ગૃહોમાં હોબાળાની શકયતા છે. નાણા ખરડો ૨૦૧૮ને મુદ્દો બનાવીને વિપક્ષ સરકારને આડે હાથ લેશે.

લોકસભામાં બુધવારે કોઈપણ ચર્ચા વગર વર્ષ ૨૦૧૮-૧૯નું નાણાકીય બિલ પસાર થઈ ગયું હતું. આ નાણાકીય બિલ અંતર્ગત નવા નાણાકીય વર્ષ માટે ૮૯.૨૫ લાખ કરોડ રૂપિયાના ખર્ચની યોજનાને મંજૂરી આપી દેવાઈ હતી. ભારે શોરબકોર વચ્ચે આ કામગીરી આટોપી લેવાઈ હતી. વિપક્ષોએ આ બિલ માટે મતદાન કર્યું ન હતું અને સમગ્ર પ્રક્રિયા નકારી કાઢી હતી. અગાઉ ૨૦૧૩-૧૪ અને ૨૦૦૩-૦૪માં પણ કોઈ ચર્ચા વગર નાણાકીય બિલ અર્થાત બજેટ પસાર કરી દેવાયું હતું. સંસદીય ભાષામાં તેને 'ગિલોટિન' મારફતે બિલ પસાર કરાયું તેમ કહેવાય છે.ઙ્ગઙ્ગ

બજેટ પસાર કરાવ્યા બાદ તરત જ ગૃહની કાર્યવાહી સમગ્ર દિવસ માટે મોકૂફ રાખી દેવાઈ હતી. સતત આઠમા દિવસે કામગીરી ઠપ થઈ ગઈ હતી. લોકસભામાં નાણામંત્રી અરુણ જેટલીએ નાણાકીય બિલમાં ૨૧ સુધારા સાથેની દરખાસ્ત રજૂ કરી હતી જેને ધ્વનિમતથી મંજૂરી આપી દેવાઈ હતી. એપ્રોપ્રિએશન બિલમાં પણ એવું જ થયું હતું. ગૃહની કાર્યવાહી શરૂ થઈ તેની ૨૫ મિનિટમાં જ નાણાકીય બિલ અને એપ્રોપ્રિએશન બિલ પસાર કરી દેવાયા હતા. વિપક્ષો અને એનડીએના શાસક ટીડીપીના સાંસદોએ રોજની જેમ સૂત્રોચ્ચાર અને દેકારો ચાલુ રાખ્યો હતો અને કામગીરી ઠપ કરી દીધી હતી.ઙ્ગ

ઙ્ગજેને કારણે બીજી કોઈ કામગીરી થઈ શકી ન હતી. રાજયસભામાં બપોરે બે વાગે માહિતી આપવામાં આવી હતી કે લોકસભામાં ચર્ચા વગર બજેટ પસાર કરી દેવાયું છે. આથી ત્યાં પણ હોબાળો ચાલુ થયો હતો અને ત્રણ જ મિનિટમાં રાજયસભાની કાર્યવાહી પણ દિવસભર માટે મોકૂફ રાખી દેવી પડી હતી. આમ તો બિલ સાંજે પાંચ વાગે રજૂ કરવાનું હતું, પરંતુ ભારે શોરબકોર વચ્ચે સંસદીય બાબતોના મંત્રી અનંતકુમારે આ બિલ બપોરે વહેલું પસાર કરવા માટે દરખાસ્ત કરી હતી, જેને સ્પીકર સુમિત્રા મહાજને મંજૂરી આપી હતી.

(1:03 pm IST)