Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

તમિળનાડુ : દિનાકરણ દ્વારા નવી પાર્ટી લોન્ચ કરી દેવાઈ

પાર્ટીનું નામ અમ્મા મક્કલ મુનેત્ર રખાયું છે : પ્રેશર કુકરના પ્રતિક ઉપર ચૂંટણી લડવાની જાહેરાત કરાઈ

ચેન્નાઈ, તા. ૧૫ : આરકે નગરના ધારાસભ્ય ટીટી દિનાકરણે આજે તેમની નવી રાજકીય પાર્ટી અમ્મા મક્કલ મુનેત્ર કઝગમ નામથી નવી પાર્ટી શરૂ કરી હતી. આ પાર્ટીનો ફ્લેગ પણ જારી કરવામાં આવ્યો હતો. તમિળનાડુના સ્વર્ગસ્થ મુખ્યમંત્રી જયલલિતાની પ્રતિમા પણ આમા દર્શાવવામાં આવી છે. દિનાકરણે ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું હતું કે, તેઓ પાર્ટીના નામની જાહેરાત કરી રહ્યા છે. વીકે શશીકલા તરફથી પરવાગની મેળવી ચુક્યા છે. દિનાકરણે કહ્યું હતું કે, તેમની પાર્ટી ચૂંટણીમાં પ્રેશર કૂકરના પ્રતિક ઉપર ચૂંટણી લડશે. સહકારી, સ્થાનિક, વિધાનસભા અને સંસદની ચૂંટણી આ પ્રતિક ઉપર લાડવામાં આવશે. તમિળનાડુમાં સતત બદલાઈ રહેલા રાજકીય સમીકરણ વચ્ચે ટીટીવી દિનાકરને પોતાની નવી રાજકીય પાર્ટી આજે લોંચ કરી હતી. રાજકીય પંડિતોનું કહેવું છે કે,  દિનાકરનના પાર્ટી બનાવવાથી તમિળનાડુમાં વધુ એક મજબૂત સ્પર્ધા મેદાનમાં આવશે. દિનાકરણ અગાઉ કહી ચુક્યા છે કે, અન્નાદ્રમુક ઉપર કબજો જમાવીને બેઠેલા લોકોને દૂર કરવાના હેતુસર તેઓએ નવી પાર્ટી બનાવી છે. આ પહેલા તમિળનાડુમાં સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હસન પણ પોતાની નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી ચુક્યા છે. તમિળનાડુમાં પહેલાથી જ કોંગ્રેસ, ભાજપ, ડીએમકે, અન્નાદ્રમુક જેવી મોટી પાર્ટીઓ સક્રિય છે. આગામી ચૂંટણીમાં આ પક્ષોની સાથે દિનાકરણ પણ નવી પાર્ટી સાથે મેદાનમાં ઉતરશે. દિનાકરણ હજુ પણ ૨૨ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરે છે.

(7:41 pm IST)