Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

૧ કરોડથી ઉપરની આવકવાળા લોકોની સંખ્યા માત્ર ૨૨૦૦

આવા લોકોમાં ડોકટર, સીએ, વકીલ વગેરેનો સમાવેશ

નવી દિલ્હી, તા. ૧૫ :. ૧૩૦ કરોડની વસ્તીવાળા આ દેશમાં ફકત ૨૨૦૦ લોકો જ એક કરોડથી ઉપર પોતાની આવક બતાડે છે. આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન દાખલ રીટર્નના આધાર પર આ માહિતી આપી છે. વિભાગે કહ્યુ છે કે એક કરોડથી ઉપર પોતાની આવક બતાડનારા પ્રોફેશ્નલોની સંખ્યા દેશમાં ફકત ૨૨૦૦ છે. જેમા ડોકટર, સીએ અને વકીલ છે.

આયકર વિભાગના જણાવ્યા પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષમાં ૫.૭૮ કરોડ લોકોએ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯નું રીટર્ન દાખલ કર્યુ હતું. આમાથી ૧.૦૩ કરોડ લોકોએ ૨.૫ લાખથી નીચેની આવક બતાડી છે અને ૩.૨૯ કરોડ વ્યકિતઓએ કરયોગ્ય આવકનો ખુલાસો કર્યો છે જે ૫ લાખથી ૨૫ લાખની વચ્ચે છે. આ નાણાકીય વર્ષ દરમિયાન દાખલ થયેલા ૫.૭૮ કરોડ રીટર્નમાંથી ૪.૩૨ કરોડ વ્યકિતઓએ ૫ લાખ સુધીની આવકનો ખુલાસો કર્યો છે.

૨૦૧૯માં ૫ લાખ સુધીની આવકવાળા કરદાતાઓને છૂટ આપવામાં આવી હતી તેથી ૫ લાખ સુધીની આવકવાળા આ ૪.૩૨ કરોડ કરદાતાઓએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ અને તે પછીના વર્ષો માટે કર ચૂકવણીની જવાબદારી રહેશે નહિં તેથી લગભગ ૧.૪૬ કરોડ વ્યકિતગત કરદાતા આયકરનું ચુકવણુ કરવા માટે જવાબદાર છે.

આ સિવાય લગભગ ૧ કરોડ લોકોએ ૫ થી ૧૦ લાખ અને ફકત ૪૬ લાખ વ્યકિતગત કરદાતાઓએ ૧૦ લાખથી વધુની આવક જાહેર કરી છે. લગભગ ૩.૧૬ લાખ કરદાતાઓએ ૫૦ લાખથી ઉપરની આવકનો ખુલાસો કર્યો છે, તો સમગ્ર દેશમાં ૫ કરોડથી ઉપરની આવકનો ખુલાસો કરનારા વ્યકિતગત કરદાતાઓની સંખ્યા ફકત ૮૬૦૦ છે.

(11:36 am IST)