Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

પુલવામાં હુમલામાં શહિદોની સંખ્યા ૪૫ થઇ : રાજનાથસિંહ બપોરે શ્રીનગર પહોંચ્યા

સીઆરપીએફ થોડા સમય બાદ જવાનોના નામની યાદી જાહેર કરશે

નવીદિલ્હી,તા.૧૫ : પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની સ્થિતિનો કયાસ મેળવવા ગૃહમંત્રી રાજનાથસિંહ આજે બપોરે ૧૨ વાગ્યા બાદ શ્રીનગર રવાના થશે. બીજી તરફ આતંકવાદી હુમલામાં શહિદ થયેલા જવાનોની સંખ્યા ૪૫ થઈ ગઈ છે. ત્યારે રાજનાથસિંહ આજે સીઆરપીએફના ડીજી સાથે આજે શ્રીનગર જશે. જોકે આ હુમલામાં શહિદ થયેલા જવાનોની ઓળખવિધિ બાકી હોવાથી થોડા સમય બાદ સીઆરપીએફ જવાનોના નામની યાદી જાહેર કરશે. શ્રીનગર ગયા બાદ રાજનાથસિંહ હુમલામાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપશે.

ત્યારબાદ સુરક્ષા બાબતોની કેબિનેટ કમિટીની બેઠકમાં આજે ગૃહમંત્રી રાજનાથ સિંહ ત્યાંની સ્થિતિ અંગે માહિતી આપશે. બેઠક બાદ ૧૨ વાગે ગૃહમંત્રી અને સીઆરપીએફના ડીજી સાથે શ્રીનગર જવા રવાના થશે. ત્યારબાદ તમામ જવાનોના મૃતદેહોને એક ખાસ વિમાન દ્વારા ગાઝિયાબબાદના હિંડન એરબેઝ પર લાવવામા આવશે. અને ત્યંાથી જે તે જવાનોના વિસ્તારમાં મૃતદેહો મોકલવામા આવશે. આ હુમલામા શહિદ થયેલા જવાનોમાં ૧૦ થી ૧૨ જવાન ઉત્તરપ્રદેશના અને ચાર પાંચ જવાન પંજાબના તેમજ બાકીના જવાન અન્ય રાજ્યોના છે.

અહેવાલમા જણાવ્યા અનુસાર ઉરી  બાદ  આ આતંકવાદી હુમલો સૌથી મોટો હુમલો  છે.  આ હુમલામાં ઘવાયેલા  જવાનોની હાલ શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ એ મહંમદે લીધી છે. અને આ આતંકવાદી સંગઠને તેને આત્મઘાતી હુમલો ગણાવ્યો છે.ત્યારે આ હુમલા અંગે રાજ્યમંત્રી સુભાષ ભાભરેએ જણાવ્યુ કે આ હુમલામાં જે કોઈ દોષિતો હશે તેમને છોડવામા નહિ આવે. આ મુદે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે  વાતચીત કરી છે.આ હુમલા અંગે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે આકરી ટીકા કરતા જણાવ્યુ છે કે આ એક  કાયરતાપૂર્ણ કૃત્ય છે. અને દોષિતો સામે  સખત કાર્યવાહી કરવી  જોઈએ  અને આ માટે તમામ લોકો રાહ જોઈ રહયા છે. આ મામલાને કેન્દ્ર સરકારે ગંભીરતાથી લીધો છે. (૨૧.૨૫)

 

(3:37 pm IST)