Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

કોમ્યુનિસ્ટને ગણતંત્રમાં નહીં પણ ગનતંત્રમાં જ વિશ્વાસ છે

ત્રિપુરામાં મોદીએ આક્રમક ચૂંટણી રેલી યોજી : દેશમાં સાતમા વેતન પંચની જોગવાઈ અમલી છે જ્યારે ત્રિપુરામાં ચોથું વેતન પંચ અમલી છે : વિકાસ રોકાયું છે

અગરતલા,તા. ૧૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિપુરા ચૂંટણીને લઇને અગરતલાના શાંતિ બજારમાં રેલી યોજી હતી. વડાપ્રધાને ન્યુ ઇન્ડિયા અને ન્યુ ત્રિપુરા જેવા કામ કરવા માટે લોકોને અપીલ કરી હતી અને કહ્યું હતું કે, આ વખતે ચૂંટણીમાં કોમ્યુનિસ્ટ પાર્ટીને દૂર કરવાની જરૂર છે. ભાજપને જીત અપાવીને વિકાસને પ્રોત્સાહન આપનાર સરકાર બનાવવાની જરૂર છે. વડાપ્રધાને કોમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યકરોને અરાજકતાવાદી કાર્યકરો ગણાવીને કહ્યું હતું કે, આ લોકો ચૂંટણીમાં અશાંતિ ફેલાવવાના પ્રયાસ કરશે. કારણ કે તેઓ ગણતંત્રમાં નહીં બલ્કે ગનતંત્રમાં વિશ્વાસ રાખે છે. મોદીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર અહીંના ગરીબોના ઘર બનાવવા, વિજળી પહોંચાડવા, ગેસના કનેક્શન આપવા માટે પૈસા આપે છે પરંતુ આ પૈસા ક્યાં જતા રહે છે ખબર પડતી નથી. આ લોકો કોંગ્રેસની સાથે મિલીભગત કરીને બેઠા હતા અને વિચારતા હતા કે, કોઇ તેમનું કઇ બગાડી શકશે નહીં. કોંગ્રેસ ત્રિપુરામાં ચૂંટણી કેમ લડી રહી છે. દિલ્હીમાં મિત્રતા અને ત્રિપુરામાં વિરોધનું નાટક ચાલી રહ્યું છે. દરેક જગ્યાએ મળીને લડે છે અને ત્રિપુરામાં ચૂંટણી લડી રહ્યા છે. માત્ર વોટ કાપી નાંખવા માટેની રણનીતિ હેઠળ કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ અને ડાબેરીઓને જુદી રીતે સમજવાની જરૂર નથી. મોદીએ કહ્યું હતું કે કોમ્યુનિસ્ટોને વિદાય આપવાનો સમય આવી ગયો છે. દરેક કામમાં કોેમ્યુનિસ્ટ પાર્ટીવાળા હોબાળો મચાવે છે. લઘુત્તમ મજુરીનું નાટક કરે છે. ત્રિપુરામાં મજુરોને લઘુત્તમ મજદુરી પણ મળતી નથી. ભાજપની સરકાર બનતાની સાથે જ સૌથી પહેલા આજ કામ કરવામાં આવશે. દેશમાં સાતમુ વેતન પંચ છે જ્યારે ત્રિપુરામાં ચોથા વેતન પંચની બાબત અમલી છે. સરકારી કર્મચારીઓને પૈસા મળશે નહીં તો તે ભ્રષ્ટાચાર જ કરશે. અમારી સરકાર બનતા જ સાતમા વેતન પંચને અમલી કરવામાં આવશે.

(9:36 pm IST)