Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

હમે હર ઘડી આરઝૂ હૈ તુમ્હારી...વેલેન્ટાઇન ડેની પ્રેમભીની ઉજવણી

ઠેર-ઠેર ટીનએજર્સ, યંગસ્ટર્સ ઉમટી પડ્યાઃ કોલેજ કેમ્પસ, બાગ-બગીચા, આઇસ્ક્રિમ પાર્લર, રેસ્ટોરન્ટ, ગીફટ્સ-કાર્ડ્સ શોપ પર યુવા હૈયાઓનો મેળાવડો : ગમતીલાને ગોતવા નજરૂ જો ને આમ તેમ ફરે, મનડાને કેમ મનાવવું આ દલડું હા'ળુ ધક-ધક કરે :હૈયાના હેતથી પ્રિય પાત્તોને ગુલાબ ગીફટ અને અવનવા પ્રેમભયા સંદેશા સાથેના સાથેના કાડૅસની આપે લે ચો તરફ ફુંકાયો પ્રેમનો વાયરો

 પ્રેમ એટલે આનંદ, પ્રેમ એટલે ઉમંગ, પ્રેમ એટલે કભી ખુશી-કભી ગમ, પ્રેમ એટલે ત્યાગ, સમર્પણ, વચન, વિશ્વાસ અને વફાદારી...પ્રેમ એટલે ઉદાસીની ખાઇ. પ્રેમીઓ અનુભવ પ્રમાણે પ્રેમની વ્યાખ્યા કરે છે. પણ પ્રેમની સાચી વ્યાખ્યાની પળોજણમાં પડ્યા વગર આજે ૧૪મી ફેબ્રુઆરીએ સોૈએ 'વેલેન્ટાઇન ડે'ની પોત-પોતાની રીતે ઉજવણી કરી છે. આમ તો આ દિવસ પહેલા પશ્ચિમના દેશોમાં જ ઉજવાતો હતો. પણ ધીમે-ધીમે ભારત દેશમાં પણ ઉજવણી શરૂ થઇ, અને હવે તો અત્ર, તત્ર, સર્વત્ર પ્રેમના પર્વ ગણાતા આ દિવસને ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. ઉત્સવપ્રિય નગરી ગણાતાં રંગીલા રાજકોટમાં પણ આ વેલેન્ટાઇન ડેની ઉજવણી ખાસ કરીને ટીનએજર્સ અને યંગસ્ટર્સ દ્વારા આજે કરવામાં આવી છે. ઠેર-ઠેર ઉમટી પડેલા યુવા હૈયાઓ જાણે કહી રહ્યા હતાં...'દિલ આજ શાયર હૈ, દિલ આજ નગ્મા હૈ...!'

કાંટાળા ગણાતા પ્રેમ પંથ પર જો સમજદારી પુર્વક આગળ વધવામાં આવે તો એ પંથના કંટકો આપો-આપ દૂર થઇ જાય છે. પ્રેમમાં કયારેક ખુશીઓના ઘોડાપુર વહે છે, તો કયારેક અશ્રુઓની નદીઓ. પ્રેમ નામના આ ટચુકડા શબ્દમાં અજબની તાકાત અને ગજબના ગુઢ રહસ્યો સમાયેલા છે. જે પ્રેમ કરી જાણે છે એ જીવન જીવી જાણે છે. પરંતુ પ્રેમ કરવો સહેલો, પણ ટકાવવો અઘરો છે. પ્રેમ એ હરતી-ફરતી કે સ્થિર સજીવ અથવા તો વસ્તુ નથી કે તેને જોઇ શકાય. પ્રેમ અમૂર્ત ખ્યાલ છે તેને જોઇ ન શકાય પણ અનુભવી જરૂર શકાય છે. આવો અનુભવ આજે કરોડો હૈયાઓએ કર્યો છે અને આજે જ શા માટે દરરોજ કરી રહ્યા છે અને કરતાં રહેશે. કારણ કે સાચ્ચા પ્રેમને વ્યકત કરવાનો એક જ દિવસ નથી. જો કે વેલેન્ટાઇ ડેને વિશ્વભરમાં લવ-ડે તરીકે સ્વીકારાયો છે એ પણ હકિકત છે. આથી જ આજના દિવસનું પ્રેમીઓમાં મહત્વ વધી જાય છે. કાચા કુંવારા હોય એ જ આ દિવસે પ્રેમ-લાગણી વ્યકત કરે એવું નથી, પરણીને ઠરીઠામ થઇ જનારા દંપતિઓમાં પણ આ દિવસની ઉજવણીનો ક્રેઝ વધ્યો છે. કોઇ પોતાના પ્રિય પાત્રને ફુલ આપે છે તો કોઇ આપે છે કાર્ડ. તો કોઇ મોંઘી દાટ ભેટ પણ આપે છે. ઠેકઠેકાણે પાર્ટીઓના આયોજન પણ થાય છે. તો કેટલાક સ્થળોએ માત્ર કપલ્સ માટેના ડાન્સ-ડિનરના કાર્યક્રમો પણ યોજાય છે. જે તે વ્યકિત પોતાના બજેટ મુજબ ઉજવણી કરે છે.

રાજકોટ શહેરમાં આજ સવારથી જ કોલેજ કેમ્પસ પાસે, આઇસ્ક્રિમ પાર્લર સહિતના સ્થળો, રેસ્ટોરન્ટ, બાગ-બગીચાઓ, સિનેમા હોલ, હોટેલોમાં પ્રેમીઓએ વેલેન્ટાઇન ડેની હરખભેર ઉજવણી કરી છે. શહેરમાં વેલેન્ટાઇ ડે માટે સ્પેશિયલ કાર્ડ્સ, ગિફટનો ખજાનો ધરાવતાં જોહર કાર્ડ્સ સહિતના સ્થળોએ તો પોતાના પ્રિય પાત્ર માટે ગિફટ્સ-કાર્ડ્સ ખરીદવા જાણે યુવક-યુવતિઓ, ટીનએજર્સનું કિડીયારૂ ઉભરાયું હતું. અમુકે તો આ દિવસની ઉજવણી કરવા જે તે સ્થળોએ આગોતરા વ્યવસ્થા માટે એડવાન્સમાં જગ્યા બુક કરાવી રાખી હતી. ઠેર-ઠેર યુવા હૈયાઓ ગુટરગૂ કરતાં પણ નજરે ચડ્યા હતાં. બાગ-બગીચા તથા ફરવાના સ્થળોએ અને મોલ, સિનેમા હોલ ખાતે તથા ગિફટસ-કાર્ડ્સની શોપ્સ-સ્ટોલ પર કોઇ માથાકુટ ન થાય એ માટે પોલીસે પણ નજર રાખી હતી. આમ સર્વત્ર વેલેન્ટાઇન ડેને મનભરીને ઉજવવામાં આવ્યો હતો.

યુવા હૈયાઓ જાણે એક બીજાને કોલ આપતાં હતાં કે, 'અગર જિંદગી હો તેરે સંગ હો, અગર મોત હો તો વો હો તુજસે પહેલે...અબ દિલ લગતા કહીં ના તેરે બીના, મુશ્કીલ હોગા જીના તેરે બીના, આ મિલકે વાદા કરલે જબ તક હોગા દમ મેં દમ, સાથ નહિ છોડેંગે ચાહે ખુશીયા હો  યા ગમ...'

અઢી અક્ષરનો પ્રેમ

અઢી અક્ષરનો છે આમ તો પ્રેમ,

પણ સમજાવામાં અઢી દાયકા'ય ઓછા પડે.

કોણ કરે છે આજે અહિ સાચો પ્રેમ,

સાચા પ્રેમીઓને સાત જનમે'ય ઓછા પડે.

કોઇ કહે જિંદગીનું બીજુ નામ છે પ્રેમ,

પણ નિભાવવાની વાતમાં

ભલભલા ટૂંકા પડે.

મોૈન રહીને પણ આંખો બધું બોલતી રહે,

કયારેક ખુશી છલકે ધોધમાર,

કયારેક આંસુ ઓછા પડે.

હોય હામમાં અડગ વિશ્વાસ

તો સોૈના હેત-ભાવ મળે,

ઇજન ન હોય કોઇને 'વૈભવ'

-ફાવે એ જ પ્રેમમાં પડે.

પ્રેમ એટલે પે્રમ

 

 

પ્રેમ એટલે પ્રેમ-વચન - વિશ્વાસ - ત્યાગ અને સમર્પણ...

એ જ પ્રેમ બીજું કઇ નહિ,

ખુશીઓનો ઘૂઘવતો સમુંદર, કયારેક અશ્રુઓની ખીણ...

એ જ બીજુ કંઇ નહિ.

હસતા હો આ પળે ને નયનો સજળ બને બીજી જ પળે...

એ જ પ્રેમ બીજુ કંઇ નહિ,

અચ્છો ભલો તરવૈયો પણ જે સાગરમાં ડૂબી જાય...

એ જ પ્રેમ બીજુ કંઇ નહિ.

સહેલો નથી આ પંથ એટલો, ઝઝૂમવંુ પડે નિરંતર...

એ જ પ્રેમ બીજુ કંઇ નહિ,

ફળે તો બેડો પાર થાય, નડે તો જીવ પણ લઇ જાય...

એ જ પ્રેમ બીજુ કંઇ નહિ.

વફા અનરાધાર મળે તો કયારેક સનમ બેવફા પણ મળે ...

એ જ પ્રેમ બીજુ કંઇ નહિ,

દોસ્ત ઓછા-ખુબ ઓછા, અહિ દૂશ્મન ધમધોકાર મળે...

એ જ પ્રેમ બીજુ કંઇ નહિ.

પ્રેમની આડમાં આચરાતી અનૈતિકતા જોઇ સંત વેલેન્ટાઇન પણ રડતાં હશે!

પ્રેમ વિશે વિભૂતિઓ, લેખકો, કવિઓએ ઘણું-ઘણું કહ્યું છે અને લખ્યું છે. પ્રેમમાં પડનારા કયારેક જિંદગીના સાગરમાં સફળતાપુર્વક તરી જાય અને કયારેક મધદરીયે ડૂબી પણ જાય. વેલેન્ટાઇન ડેના દિવસે જ પ્રેમ વ્યકત કરનારાઓનો વર્ગ છે તો રોજ પ્રેમમાં રાચનારા પણ જીવનને માણી રહ્યા છે. સમયની સાથે પ્રેમ પણ બદલાઇ ગયો છે. હું તને ચાહુ છું, આઇ લવ યુ...આવું કહેવા માટે અગાઉના સમયમાં જે તે પાત્રને પગે પાણી ઉતરી જતાં હતાં. આજે તડ ને ફડ, કાં ઇસ પાર કાં ઉસ પારનો યુગ આવી ગયો છે. પ્રેમને આજે માત્ર હવસ સંતોષવાનું સાધન બનાવી દેવામાં આવ્યો છે. અમુક અપવાદોને બાદ કરતાં મોટા ભાગના ટીનએજર્સ, યંગસ્ટર્સ અને પરણેલાઓ પણ પ્રેમના નામે આછકલાઇ, અડપલા અને બીજુ ઘણું બધું કરે છે એ જોઇને કદાચ સંત વેલેન્ટાઇન પણ રડતાં હશે. પ્રેમના નામે આચરાતી અનૈતિકતાએ સમાજમાં અધઃપતનને નોતર્યુ છે. રોજ બરોજ કયાંક ને કયાંક એવી ઘટના બને છે જેમાં પ્રેમ બદનામ થતો રહે છે.

સમાચારોના માધ્યમો પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડીયા થકી લોકો વારંવાર કે સમયાંતરે એવી ઘટનાઓથી વાકેફ થાય છે કે જેમાં યુવક-યુવતિ કે સ્ત્રી-પુરૂષ કે પછી તરૂણ વયના છોકરા-છોકરીઓ પ્રેમના નામે ન કરવાનું કરતાં પકડાયા હોય છે. સ્થળ, સમયનું પણ ધ્યાન નહિ રાખી લીલા આચરતાં આ લોકો માટે પ્રેમ એટલે અમુક ભુખ સંતોષવાનો રસ્તો. એ ભુખ પછી આર્થિક, શારીરિક કે બીજી પણ હોઇ શકે. ટૂંકમાં એટલું જ કે પ્રેમના નામે થતાં ખેલથી દૂર રહીએ તો પણ વેલેન્ટાઇન ડેની સાચા અર્થમાં ઉજવણી ગણાશે. બહારની સંસ્કૃતિમાં પ્રેમના નામે જે કંઇ થાય છે એનું અનુકરણ કરવાથી આનંદ જરૂર મળશે, પણ વધુ સમય સુધી એ તમને આનંદિત નહિ રાખી શકે.

 અહેવાલ

ભાવેશ કુકડીયા

(4:45 pm IST)
  • અમેરીકાના સ્વીમીંગ સિતારા માઈલ ફેલ્પ્સની પત્નિએ બીજા પુત્રને જન્મ આપ્યો : ૩૨ વર્ષના ફેલ્પ્સ અને તેની પત્નિ નિકોલે બીજા પુત્રને જન્મ આપ્યો હોવાની જાહેરાત કરી : ફેલ્પ્સે ૨૦૧૬માં રિયો ડિ જાનેરો ખાતેના ઉનાળાના ઓલિમ્પિક રમતોત્સવ બાદ સૌથી સફળ ઓલિમ્પિયન તરીકે નિવૃતિ લીધી હતીઃ તેણે ૨૮ ઓલિમ્પિક મેડલ જીત્યા હતા access_time 12:24 pm IST

  • અમદાવાદના જુહાપુરામાંથી લાખોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું : ૯II કિલો ચરસ સાથે ૩ની ધરપકડઃ મુંબઇથી મંગાવાયેલ હતું: નાર્કો વિભાગ- એનસીબીને મોટી સફળતા access_time 4:09 pm IST

  • નેપાળની ઐતિહાસિક સંસદીય ચૂંટણીઓમાં ડાબેરી ગઠબંધનની મોટી જીત બાદ સીપીએન-યુએમએલના ચેરમેન કે.પી. શર્મા ઓલી (65 વર્ષ) ફરી એક વખત દેશના વડાપ્રધાન બન્યા છે. ગુરુવારે તેમણે બીજી વખત નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારત સાથે રોટી - પુત્રીનો સંબંધ ધરાવનાર પાડોશી દેશ નેપાળના નવા વડાપ્રધાન ઓલીને ચાઇનાનાં સમર્થક માનવામાં આવે છે. access_time 1:50 am IST