Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

અફડાતફડી વચ્ચે સેંસેક્સ ૮૦ પોઇન્ટ ઘટીને આખરે બંધ થયો

સેંસેક્સ કારોબારના અંતે ૪૧૮૭૩ની નીચી સપાટી ઉપર રહ્યો : એસબીઆઈ-ઇન્ફોસીસના શેરમાં નોંધાયેલ ઘટાડો : ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં છ ટકા સુધીનો ઘટાડો : નિફ્ટી રિયાલીટી અને ઓટો ઇન્ડેક્સમાં પણ ઘટાડો

મુંબઈ, તા. ૧૫ : શેરબજારમાં આજે જોરદાર અફડાતફડી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૮૦ પોઇન્ટ ઘટીને ૪૧૮૭૩ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૯ પોઇન્ટ ઘટીને ૧૨૩૪૩ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં અફડાતફડી માટે જુદા જુદા પરિબળો જવાબદાર રહ્યા હતા. ચીન ઉપર ટેરિફ હાલમાં જારી રહે તેવા સંકેત મળી રહ્યા છે. અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીને લઇને હજુ પણ અફડાતફડીનો માહોલ રહ્યો છે. ચૂંટણી પુરી ન થાય ત્યાં સુધી ચીન પર ટેરિફને જારી રાખવામાં આવશે. ફાઈનાન્સિયલ અને બેંકિંગ કાઉન્ટરોમાં ઘટાડાની વચ્ચે સેંસેક્સ ૪૧૮૭૩ની સપાટી ઉપર રહ્યો હતો. ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં ૬ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. એસબીઆઈમાં ૧.૧ ટકા અને ઇન્ફોસીસમાં ૦.૯ ટકાનો ઘટાડો રહ્યો હતો. હિરોમોટો, ટાઈટન અને મારુતિ સુઝુકીના શેરમાં તેજી રહી હતી. ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન સેંસેક્સ ૩૦૪ પોઇન્ટ ઘટીને એક વખતે ૪૧૬૪૮ સુધી નીચે પહોંચ્યો હતો.

સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી રિયાલીટી અને ઓટો ઇન્ડેક્સમાં ક્રમશઃ ૧.૧૭ અને ૧.૧૪ ટકાનો વધારો થયો હતો. નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં ૦.૮ ટકાનો ઘટાડો રહ્યો હતો. સતત સાતમાં કારોબારી સેશનમાં શેરબજારમાં અફડાતફડી રહી હતી. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૬૬ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૫૦૬ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧.૪ ટકાનો વધારો થતાં તેની સપાટી ૧૪૫૩૪ રહી હતી. એશિયન શેરબજારમાં અનેક શેરમાં મંદી રહી હતી. આજે જાપાનના બેંચમાર્ક નિક્કીમાં ૦.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં ૦.૫૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી આર્થિક સુસ્તીની અસર દેખાઈ રહી છે. બીજી બાજુ બજેટ આડે વધારે દિવસો રહ્યા નથી ત્યારે રોકાણકારો હાલમાં રોકાણના મૂડમાં દેખાઈ રહ્યા નથી. બજેટમાં જાહેર કરવામાં આવનાર પગલાને લઇને ઉત્સુક છે.

(7:50 pm IST)