Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

કોંગ્રેસે - ભાજપે હંમેશા ખેડૂતોને ખોટા વાયદા કર્યા : માયાવતી

ભાજપ - કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર : પત્રકાર પરિષદમાં નોટબંધી, જીએસટી, સીબીઆઇનો મુદ્દો ઉઠાવ્યો

લખનૌ તા. ૧૫ : બસપા અધ્યક્ષ માયાવતીએ પોતાના જન્મ દિવસ પર ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. માયાવતીએ જણાવ્યું હતું કે, યુપીમાં સપા અને બસપાના ગઠબંધનથી ભાજપની ઊંઘ ઉડી ગઈ છે. સાપ અને બસપાના ગઠબંધન બાદ યુપીમાં ભાજપનો સફાયો થવાનો છે. દેશમાં ખેડૂત, વેપારી અને મધ્યમ વર્ગના લોકો ભાજપની દેશવિરોધી નીતિથી હેરાન પરેશાન થયા છે.

માયાવતીએ કહ્યુ કે, પાંચ રાજયમાં આવેલા ચૂંટણી પરિણામ બાદ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. જેમા મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઠમાં ભાજપની સત્તા હતી. ભાજપની આ ત્રણેય રાજયોમાં હાર થઈ છે. માયાવતીએ કહ્યુ કે, ભાજપથી કમામ લોકો કંટાળ્યા છે.

માયાવતીએ કહ્યુ કે, કોંગ્રેસે ખેડૂતોનું દેવું માફ કરવાનો વાયદો કર્યો હતો. પરંતુ આ વાયદો પુરો થયો નથી. દેશમાં ખેડૂતોની સ્થિતિ વધારે કથળી છે. કોંગ્રેસ અને ભાજપે હંમેશા ખેડૂતોને ખોટા વાયદા કર્યા છે. લોકસભાની ચૂંટણીમાં યુપીના ખેડૂતો ભાજપનો સફાયો કરી દેશે.

માયાવતીએ લોકસભાની ચૂંટણીમાં જીતને પોતાના જન્મદિવસની મોટી ભેટ આપવા આહવાન કહ્યુ છે. માયાવતીએ કહ્યુ હતુ કે, યુપીમાં બસપાના કાર્યકર્તાઓ સપા અને બસપાના ઉમેદવારોને જીતાડવા માટે તૈયારી શરૂ કરે. ગઠબંધનના ઉમેદવારની જીતએ માયાવતીની જીત હશે. આ ઉપરાંત પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીએ નોટબંધી, જીએસટી અને સીબીઆઈનો મુદો ઉઠાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, બસપા સુપ્રીમો માયાવતીના ૬૩માં જન્મદિવસને જન્મકલ્યાણકારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમના જન્મદિવસે બસપા નેતાઓ ઉપરાંત સપા કાર્યકર્તાઓ પણ સામેલ થશે. લોકસભા ચૂંટણી માટે સપા અને બસપાની વચ્ચે થયેલા ગઠબંધનની વચ્ચે તમામની નજરો માયાવતીના જન્મદિવસના અવસરે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર હતી.(૨૧.૨૩)

(3:36 pm IST)