Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ભાજપના કાર્યકરો ૬૦ ટકા સાંસદોથી નારાજ

ભાજપ હાઇકમાન્ડની ચિંતા વધી : મળેલા ફીડબેકથી ઉમેદવારો બદલવા પડશેઃ કેટલાક પ્રધાનો સામે પણ નારાજગી હોવાનો ધડાકો

નવી દિલ્હી તા. ૧૫ : લોકસભાના ૬૦ ટકા સાંસદોને લઇને કાર્યકરોની નારાજગીથી ભાજપનું નેતૃત્વ ચિંતિત બની ગયું છે. પક્ષે પોતાના આંતરિક તંત્ર પાસેથી મેળવેલ ફીડબેકમાં આ સ્થિતિ સામે આવી છે. આમાંથી કેટલાકને તો બદલી શકાશે પણ અનેક પ્રધાનો અને કદાવર નેતાઓ પણ સામેલ છે. જેમની ટીકીટ કાપવી સંભવ નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બે દિવસ પહેલા પક્ષની રાષ્ટ્રીય પરિષદ મળી હતી. જે દરમિયાન કાર્યકરો પાસેથી પ્રદેશના સાંસદો અંગે ફીડબેક લેવાયા હતા. પક્ષે લોકસભા ક્ષેત્ર સોશ્યલ મીડિયા પ્રભારીઓ, મીડીયા, પ્રભારીઓ, વિવિધ મોરચાના વડાઓ વગેરે સાથે બેઠકો યોજી હતી. આ બેઠકોનો એજન્ડા ચૂંટણી તૈયારીનો હતો પણ તેમાં સાંસદોનો ફીડબેક પણ સામે આવ્યો. બિહાર અને યુપીના કાર્યકરોએ તો કેટલાક પ્રધાનોના નામ પણ આપ્યા અને કહ્યું કે જો તેમને ફરી ટીકીટ મળશે તો મુશ્કેલી થશે.

સંગઠનના એક નેતાએ કહ્યું હતું કે, કાર્યકરોની અપેક્ષાઓ વધુ હોય છે અને એવામાં નારાજગી પણ હોય જ છે. જે ક્ષેત્રથી નકારાત્મક રિપોર્ટ મળ્યા છે ત્યાંથી ઉમેદવાર બદલવા વિચારણા થશે. આમ પણ લગભગ ૨૦ ટકા ચહેરા દર વર્ષે બદલાય છે.

સૂત્રો કહે છે કે, કાર્યકરો તરફથી મળેલા ફીડબેક અને ટોચના નેતાઓ વિરૂધ્ધનો માહોલ જોઇ પક્ષ સતર્ક બની ગયો છે.(૨૧.૯)

(10:06 am IST)