Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

કેન્દ્ર સરકાર ખેડૂતોને આપશે યુનિક આઈડી કાર્ડ : સરકારી યોજનાના લાભ મેળવવા થશે ઉપયોગી

દેશભરમાં યુનિક આઈડેન્ટિટી કાર્ડ બનાવવાની અને ખેડૂતોનો ડેટાબેઝ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલુ

નવી દિલ્હી :કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ મેળવવાની સુવિધા માટે યુનિક આઈડેન્ટિટી કાર્ડ આપશે. દેશભરમાં ખેડૂતો માટે યુનિક આઈડેન્ટિટી કાર્ડ (ID) બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. દેશભરના ખેડૂતોનો ડેટાબેઝ તૈયાર કરવાની પ્રક્રિયા સરકાર ચલાવી રહી છે. અત્યાર સુધીમાં સાડા પાંચ કરોડ ખેડૂતોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે, જેના આધારે 12 અંક ધરાવતુ ઓળખ કાર્ડ આપવામાં આવશે.

યુનિક આઈડેન્ટિટી કાર્ડ (ઓળખકાર્ડ) દ્વારા ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ કોઈપણ મુશ્કેલી વિના મળી શકશે. આના કારણે સરકારી યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને હવે કોઈ વચેટિયાની જરૂર નહીં પડે. યુનિક આઈડેન્ટિટી કાર્ડ બનાવવા માટે પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં જ સમગ્ર દેશના ખેડૂતોને તેના દાયરામાં સામેલ કરવામાં આવશે. એકવાર ડેટાબેઝ રાષ્ટ્રીય સ્તરે તૈયાર થઈ જાય, ત્યારબાદ સંપૂર્ણ રીતે અમલમાં આવશે. ડેટાબેઝમાં સમાવિષ્ટ ખેડૂતો જ લાભ મેળવી શકશે.

 

કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ અંગેની માહિતી આપી હતી. ઓળખ કાર્ડ બનાવવાની યોજનામાં ઇ-નો યોર ફાર્મર્સ (e-KYF) દ્વારા ખેડૂતોની ચકાસણીની જોગવાઈ છે. આ સાથે, વિવિધ યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે વિવિધ વિભાગો અને કચેરીઓમાં વારંવાર દસ્તાવેજો જમા કરાવવાની જરૂર રહેશે નહીં.

લોકસભામાં આ અંગે વિસ્તૃત માહિતી માંગવામાં આવી હતી. આ અંગે નરેન્દ્ર તોમરે કહ્યું કે દેશના કુલ 11.5 કરોડ ખેડૂતોમાંથી સાડા પાંચ કરોડ ખેડૂતોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે. બાકીના ખેડૂતોના ડેટા માટે કામ ચાલુ છે. જે ખેડૂતોને પ્રધાનમંત્રી કલ્યાણ નિધિ યોજના તરફથી દર વર્ષે ત્રણ વખત બે હજાર રૂપિયાના સમાન હપ્તા આપવામાં આવે છે, તે તમામ ખેડૂતોને આ IDનો લાભ મળશે.

દેશમાં ખેડૂતોના કલ્યાણની સાથે સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કૃષિ ક્ષેત્ર માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોને દરેક ઋતુમાં સંઘર્ષ કરવો પડે છે. એકવાર ઓળખ કાર્ડ બની ગયા પછી, તેમના માટે આ યોજનાઓનો લાભ લેવાનું વધુ સરળ બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં કૃષિ યોજનાઓમાં અનેક પ્રકારના કૌભાંડો સામે આવે છે, જેનો ગેરલાભ નકલી અને છેતરપિંડી કરનારાઓ ઉઠાવે છે. ઓળખ કાર્ડ બનવાથી ખેડૂતોને આવા લેભાગુ તત્વોમાંથી છુટકારો મળશે. આ કાર્ડ થકી ખેતીને લગતી અનેક પ્રકારની માહિતી પણ વાસ્તવિક ખેડૂતોને આપી શકાશે. ડિજિટલ એગ્રીકલ્ચર મિશનના આ પ્રયાસથી કૃષિ ક્ષેત્રમાં પારદર્શિતા આવશે.

(10:02 pm IST)