Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

મહારાષ્ટ્રની ૩ હજાર શાળાઓ બંધ થવાની ભીતીઃ ૧૬ હજાર આદીવાસી વિદ્યાર્થીઓ શિક્ષણથી દુર થવાની ચિંતા

મુંબઇ તા. ૧૪:.. મહારાષ્ટ્ર સરકાર રાજયભરની આશરે ૩૦૦૦ સ્કુલો બંધ કરવા અંગે વિચારાધિન છે. ત્યારે ૧૬ હજાર જેટલાં આદિવાસી વિદ્યાર્થીઓને તેની અસર થવાના અણસાર છે. આ વિદ્યાર્થીઓ તેમના પાયાના શિક્ષણથી વંચિત બનવાની શકયતાઓ નિર્માણ થઇ છે.
જો કે રાઇટ ટૂ એજયુકેશન અંતર્ગત તેમને શિક્ષણાધિકાર હોવાથી આ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન બને તે માટે સરકાર તેમને ટ્રાન્સપોર્ટની સુવિધા આપશે, જેથી તેઓ નજીકના વિસ્તારની સ્કુલોમાં જઇ શકે. પરંતુ સામાજિક કાર્યકરોનું કહેવું છે કે, આમ કરવાથી આરટીઇ એકટનું ઉંલ્લંઘન થશે. કારણ વિદ્યાર્થીઓને સ્કૂલે જવા લાંબુ  અંતર કાપવું પડશે. જેને કારણે અધવચ્ચેથી શાળા છોડી દેનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધવાની શકયતા પણ છે.
આ નિર્ણયને કારણે પાલઘર, થાણે, નાસીક, રાયગડના આદિવાસી વિદ્યાર્થીઓને ઘણું નુકશાન થશે. કારણ પાલઘરની ૧પ૮, થાણેની ૬ર, રાયગડની ૧૧ર અને નાસીકની ૪૦પ જેટલી સ્કૂલો બંધ થઇ જશે. સરકારી પત્રક મુજબ ૩,૦૭૩ સ્કુલ એવી છે જેમાં વિદ્યાર્થી સંખ્યા ૧૦ થી ઓછી છે. આમાંના આશરે ૧૬,૩૩૪ વિદ્યાર્થીઓ એવા છે કે જેમની આસપાસના ત્રણ કિ.મી.ના અંતરમાં સ્કુલો જ નથી. પરંતુ તેમને પાસેથી સ્કુલમાં  દાખલો આપી ટ્રાન્સપોર્ટ સુવિધા આપવામાં આવશે.
પરંતુ આ વિદ્યાર્થીઓને સ્કુલે જવા સાત થી આઠ કી. મી.નું અંતર પાર પાડવું પડે તેમ હોવાથી તે શિક્ષણાધિકારના કાયદાનું ઉંલ્લંઘન કરવા જેવું થશે. કારણ કાયદાનુસાર, ચોથા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે એક કિ.મી.ના અંતરમાં અને સાતમા ધોરણ સુધીના વિદ્યાર્થી માટે ત્રણ કિ. મી.ના અંતરમાં શાળા હોવી તેવી જોગવાઇ છે.

 

(11:37 am IST)