Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

અયોધ્યામાં યોજાનાર 'માનસ ગણિકા' શ્રીરામ કથા માટે પૂ. મોરારીબાપુ દ્વારા મુંબઇમાં ગણિકાઓને આમંત્રણ

અયોધ્યા : પૂ. મોરારીબાપુના વ્યાસાસને તા. રર થી ૩૦ ડિસેમ્બર સુધી અયોધ્યામાં 'માનસ ગણિકા' શ્રીરામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીરામ કથા માટે મુંબઇના કમાઠીપુરા સહિતના વિસ્તારોમાં પૂ. મોરારીબાપુનું આગમન થયું હતું અને ગણિકાઓને શ્રીરામ કથાનું રસપાન કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. આ તકે ગણિકાઓએ પૂ. મોરારીબાપુને કહ્યું હતું કે અમને સારા ઘર મળે અને પોલીસથી અમને બચાવો તેવી માંગણી કરી હતી. પૂ. મોરારીબાપુએ ૬૦ ગણિકાઓની મુલાકાત લીધી હતી. પૂ. મોરારીબાપુએ કહ્યું કે, કથામાં ગણિકાઓને આવવા-જવા માટે વાહનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. પૂ. મોરારીબાપુના આગમનના પગલે ગણિકાઓને કહેવામાં આવ્યું હતું કે, 'ભગવાનના એક આદમી' તેમને મળવા આવશે. પૂ. મોરારીબાપુએ ટુંક પ્રવચન આપતા કહ્યું હતું કે વાસંતીએ તુલસીદાસને પોતાના ઘરે આવવા માટે આમંત્રણ આપતા કહ્યું કે, તેઓ ભગવાન શ્રીરામ વિશે માહિતી આપી વાસંતીએ કહ્યું કે સમાજે મને અલગ કરી દીધી છે, પરંતુ મને ભરોસો છે કે, ભગવાન બધાને એક જેવા માને છે. તુલસીદાસજી વાસંતીના ઘરે ગયા હતાં અને રામકથા પણ સંભળાવી હતી. પૂ. મોરારીબાપુએ જણાવ્યું કે, અયોધ્યામાં આયોજીત રામકથાને રામમંદિર મુદ્દા સાથે કોઇ લેવા-દેવા નથી. મંદિર અંગે મારો સ્પષ્ટ વિચાર છે કે, શાંતિ જળવાઇ રહેવી જોઇએ. માનસ ગણિકાનું અયોધ્યામાં એ માટે રસપાન કરાવાશે કારણ કે, તે અયોધ્યાના વિષય ઉપર આધારિત છે. (૮.૯)

(11:52 am IST)