Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

18 વર્ષથી ઓછી ઉંમર પણ સહમતિથી સંબંધ ગુનો નથી : દિલ્હી હાઇકોર્ટની પોક્સો એક્ટને લઈને મહત્વની ટિપ્પણી

કોર્ટે ટિપ્પણી કરી કે POCSO એક્ટનો ઉદ્દેશ્ય વયસ્કો વચ્ચેના સહમતિથી પ્રણય સંબંધોને ગુનાહિત બનાવવાનો નહીં પરંતુ બાળકોને જાતીય શોષણથી બચાવવાનો છે

નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે પોક્સો એક્ટને લઈને મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે ટિપ્પણી કરી હતી કે POCSO એક્ટનો ઉદ્દેશ્ય વયસ્કો વચ્ચેના સહમતિથી પ્રણય સંબંધોને ગુનાહિત બનાવવાનો નહીં પરંતુ બાળકોને જાતીય શોષણથી બચાવવાનો છે. જોકે હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, દરેક કેસ સાથે જોડાયેલા તથ્યો અને પરિસ્થિતિઓના આધારે સંબંધોની પ્રવૃત્તિઓને ધ્યાનમાં લેવું પણ જરૂરી છે, કારણ કે કેટલાક કિસ્સામાં પીડિતા પર સમાધાન કરવાનું દબાણ હોઈ શકે છે. 17 વર્ષના સગીરને જામીન આપતા અંગેના એક કેસ પર સુનાવણી કરતા કોર્ટે આ ટિપ્પણી કરી હતી. સગીર પર 17 વર્ષની સગીરા સાથે લગ્ન કરવાનો અને સંબંધ કરવાનો આરોપ હતો અને તેની POCSO એક્ટ હેઠળ અટકાયત કરાઈ હતી.

30 જૂન 2021ના રોજ પીડિતાના લગ્ન તેના પરિવારના સભ્યોએ કરાવી નાખ્યા હતા. લગ્ન સમયે પીડિતાની ઉંમર 17 વર્ષની હતી. પીડિતા આ લગ્નથી ખુશ નહોતી અને તે તેના પતિ સાથે રહેવા માંગતી ન હતી. આ બાબતથી નારાજ થયેલી પીડિતાએ ઘરેથી ભાગીને આરોપી સાથે લગ્ન કરી લીધા હતા. બંનેએ પંજાબમાં 28 ઓક્ટોબર 2021ના રોજ લગ્ન કર્યા હતા. ત્યારબાદ પીડિતાના પરિવારજનોએ આરોપી વિરુદ્ધ કેસ નોધાવ્યો હતો. આ કેસ બાદ પોલીસે આરોપીની પોક્સો એક્ટ હેઠળ અટકાયત કરી હતી.

દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ જસમીત સિંહે આરોપીની જામીન અરજી પર ચુકાદો સંભાળવ્યો હતો. જસ્ટિસ જસમીત સિંહે આરોપીને 10,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે પીડિતાએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેણે પોતાની મરજીથી આરોપી સાથે લગ્ન કર્યા છે અને આમ કરતી વખતે તે કોઈના દબાણમાં ન હતી કે તેને કોઈ ધમકી અપાઈ હતી. પીડિતા પણ હજુ આરોપી સાથે રહેવા માંગે છે.

જસ્ટિસ સિંહે કહ્યું કે આ એવો કેસ નથી જેમાં સગીરાને સગીર સાથે બળજબરીથી સંબંધ બાંધવા મજબુત કરી હોય. પીડિતા પોતે આરોપીના ઘરે ગઈ હતી અને તેણીએ જ તેની લગ્ન કરવા જણાવ્યું હતું. પીડિતાના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને શારીરિક સંબંધ પણ સહમતિથી થયો હતો. હાઈકોર્ટે કહ્યું કે પીડિતા સગીર છે તેથી તેની સંમતિનો કોઈ કાયદાકીય અર્થ નથી. પરંતુ જામીન આપતી વખતે પ્રેમ આધારે સહમતિથી બંધાયેલા સંબંધની હકીકતોને પણ ધ્યાનમાં લેવી જોઈએ. આ કિસ્સામાં પીડિતાના નિવેદનની અવગણના કરવી અને આરોપીને જેલમાં ધકેલવો, તે જાણીજોઈને ન્યાય ન આપવા જેવી વાત હશે

 

(10:23 pm IST)