Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

પ્રેમિકા શ્રદ્ધાની હત્યા કર્યા બાદ ગૂગલ પર શું સર્ચ કરી રહ્યો હતો આફતાબ પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો

હત્યાના આરોપી આફતાબ અમીન પૂનાવાલાની ક્રૂરતા અને તેની નિર્દયતાએ બધાને હચમચાવી દીધા

નવી દિલ્હી : દિલ્હીને હચમચાવી દેનાર શ્રદ્ધા હત્યાકાંડ બાદ હવે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. હત્યાના આરોપી આફતાબ અમીન પૂનાવાલાની ક્રૂરતા અને તેની નિર્દયતાએ બધાને હચમચાવી દીધા છે. હવે આ મામલામાં નવો ખુલાસો થયો છે કે પોતાની પ્રેમિકા શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબ ગૂગલ પર શું સર્ચ કરી રહ્યો હતો. આફતાબે ગૂગલ પર શું સર્ચ કર્યું તેને લઈને દિલ્હી પોલીસે મોટો દાવો કર્યો છે. દિલ્હી પોલીસે સોમવારે કહ્યું કે શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબે ગૂગલ પર લોહી સાફ કરવાની રીત વિશે સર્ચ કર્યું હતું. એટલું જ નહીં ત્યારબાદ તેણે ગૂગલ પર માનવ શરીરની રચનાને લઈને પણ સર્ચ કર્યું હતું. 

   દિલ્હી પોલીસની પૂછપરછમાં સ્પષ્ટ થયું કે 18 મેએ આફતાબે શ્રદ્ધાની હત્યા કરી હતી અને ત્યારબાદ તેના મૃતદેહને ઠેકાણે લગાવવાનો પ્લાન બનાવ્યો હતો. તેણે પોલીસને પૂછપરછમાં જણાવ્યું કે તેણે ગૂગલ પર માનવ શરીરની રચના વિશે વાંચ્યું જેથી તેને શ્રદ્ધાના શરીરના ટૂકડા કરવામાં મદદ મળી શકે. પોલીસે કહ્યું કે, તેણે આફતાબના ઇલેક્ટ્રોનિક ગેઝેટને જપ્ત કર્યાં છે અને તેની તપાસ કરવામાં આવશે

    આ ઇલેક્ટ્રોનિક સામાનોની તપાસ બાદ પોલીસ આફતાબની કબૂલાતને સત્ય માનશે. પોલીસે કહ્યું- ગૂગલ પર સર્ચ કર્યા બાદ તેણે શ્રદ્ધાના લોહીના ડાઘાને જમીન પરથી સાફ કર્યા હતા. તે માટે તેણે કેમિકલનો ઉપયોગ કર્યો અને ખરાબ કપડાને ફેંકી દીધા. ત્યારબાદ તેણે ડેડ બોડીને બાથરૂમમાં રાખી અને નજીકની દુકાનેથી ફ્રીઝ ખરીદી લાવ્યો હતો. બાદમાં ડેડબોડીના ટુકડા કર્યાં અને ફ્રીઝમાં રાખી દીધા હતા. 

  દિલ્હી પોલીસને શ્રદ્ધાના પિતાની ફરિયાદ મળ્યા બાદ 10 નવેમ્બરે એફઆઈઆર દાખલ થઈ હતી. ત્યારબાદ પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી. પોલીસે જણાવ્યું કે આફતાબ તે રૂમમાં સૂતો હતો જ્યાં તેણે શ્રદ્ધાની હત્યા કરી હતી. ફ્રીઝ ખોલીને તે હંમેશા શ્રદ્ધાના ચહેરાને જોતો હતો. ત્યારબાદ બધા અંગોને ફેંક્યા બાદ તેણે ફ્રીઝ સાફ કર્યું હતું. 

 

(10:18 pm IST)