Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

દબાણ, છેતરપિંડી કે લોભના કારણે ધર્મ પરિવર્તનને ગંભીર બાબત છે,તેનાથી દેશની સુરક્ષા માટે પણ ખતરો: સુપ્રીમકોર્ટ

કોર્ટે ગેરકાયદે ધર્માંતરણ વિરુદ્ધ કાયદો બનાવવાની માંગ પર 22 નવેમ્બર સુધીમાં કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો :આગામી સુનાવણી 28 નવેમ્બરે

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે દબાણ છેતરપિંડી કે લોભના કારણે ધર્મ પરિવર્તનને ગંભીર બાબત ગણાવી છે. કોર્ટે કહ્યું કે આ માત્ર ધાર્મિક સ્વતંત્રતાના અધિકારની વિરુદ્ધ નથી પરંતુ દેશની સુરક્ષા માટે પણ ખતરો છે. કોર્ટે કેન્દ્ર સરકારને ગેરકાયદે ધર્માંતરણ વિરુદ્ધ કાયદો બનાવવાની માંગ પર 22 નવેમ્બર સુધીમાં જવાબ દાખલ કરવા કહ્યું છે. આગામી સુનાવણી 28 નવેમ્બરે થશે.

23 સપ્ટેમ્બરના રોજ જસ્ટિસ એમઆર શાહની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે ખોટી રીતે ધર્માંતરણ સામે કડક કાયદો બનાવવાની માંગ પર નોટિસ જારી કરી હતી. અરજદાર અશ્વિની ઉપાધ્યાયે દબાણ, લાલચ અથવા છેતરપિંડી દ્વારા ધર્મ પરિવર્તન કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે પોતાની અરજીમાં દબાણના કારણે આત્મહત્યા કરનાર લાવણ્યાના કેસ સહિત અન્ય ઘટનાઓ ટાંકી છે.
તમિલનાડુના તંજાવુરની 17 વર્ષની વિદ્યાર્થીની લાવણ્યાએ આ વર્ષે 19 જાન્યુઆરીએ જંતુનાશક ખાઈને આત્મહત્યા કરી હતી. આ પહેલા તેણે એક વીડિયો બનાવ્યો હતો. તે વીડિયોમાં લાવણ્યાએ કહ્યું કે તેની સ્કૂલ ‘સેક્રેડ હાર્ટ હાયર સેકન્ડરી’ તેના પર ખ્રિસ્તી બનવા માટે દબાણ કરી રહી છે. આ માટે સતત થતી હેરાનગતિથી પરેશાન થઈને તે પોતાનો જીવ આપી રહી છે. મદ્રાસ હાઈકોર્ટે આ ઘટનાની તપાસ સીબીઆઈને સોંપી હતી. સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો.
છેલ્લી સુનાવણીમાં અરજદારે ન્યાયાધીશોને કહ્યું હતું કે લાવણ્યા કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે, તેથી હવે માંગણી સાંભળવાની જરૂર નથી. આવી ઘટનાઓ પાછળ છુપાયેલા કારણોને દૂર કરવા જરૂરી છે.

ઉપાધ્યાયે કોર્ટને કહ્યું હતું કે કેટલાક રાજ્યોએ છેતરપિંડી, લાલચ અથવા અંધશ્રદ્ધા ફેલાવીને ધર્મ પરિવર્તન વિરુદ્ધ કાયદા બનાવ્યા છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે કોઈ કાયદો નથી. આવા ઢીલા અભિગમથી આ સમસ્યા ઉકેલી શકાતી નથી. ધર્મ પરિવર્તન કરાવવા માટે મોટા પાયે વિદેશી ફંડિંગ કરવામાં આવી રહ્યું છે. આ બધા પર ધ્યાન આપવાની જરૂર છે. થોડીવાર સુધી વકીલને સાંભળ્યા પછી ન્યાયાધીશો સંમત થયા કે તે ગંભીર બાબત છે. આ પછી કોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને કાયદા મંત્રાલયને નોટિસ પાઠવી હતી.

આજે ન્યાયાધીશોએ સરકારનો જવાબ દાખલ ન કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ શાહે સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું, “તે દેશની સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો પણ છે. તમે કહી રહ્યા છો કે કેટલાક રાજ્યોએ કાયદો બનાવ્યો છે પરંતુ અમે કેન્દ્ર સરકારનું સ્ટેન્ડ જાણવા માંગીએ છીએ. તમે 22 નવેમ્બર સુધીમાં જવાબ દાખલ કરો. 28મીએ સુનાવણી હાથ ધરવામાં આવશે.

 

(9:15 pm IST)