Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

સેન્સેક્સમાં ૧૭૧, નિફ્ટીમાં ૨૧ પોઈન્ટનો કડાકો જોવાયો

ભારતીય શેરબજારમાં વેચવાલીનો દબદબો રહ્યો : રૃપિયો પણ ડોલર સામે ૪૮ પૈસા ઘટીને બંધ, જાહેર ક્ષેત્રની બેન્ક, મીડિયા, એનર્જી અને હેલ્થકેરથી બજાર પર દબાણ

મુંબઈ, તા.૧૪ : સોમવાર ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે નુકસાનનો દિવસ હતો. બંને મુખ્ય સૂચકાંકો નુકસાન સાથે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ ૧૭૦.૮૯ પોઈન્ટ્સ અથવા ૦.૨૮ ટકાના ઘટાડા સાથે ૬૧,૬૨૪.૧૫ પર અને એનએસઈ નિફ્ટી ૨૦.૫૫ પોઈન્ટ્સ અથવા ૦.૧૧ ટકાના ઘટાડા સાથે ૧૮,૩૨૯.૧૫ પર બંધ થયો. આજે દિવસભર ભારતીય શેરબજારમાં વેચવાલીનો દબદબો રહ્યો હતો. નિફ્ટી અને સેન્સેક્સ બંને નુકસાન સાથે બંધ થયા છે. આ સાથે જ રૃપિયો પણ ડોલર સામે ૪૮ પૈસા ઘટીને બંધ થયો છે. આજના સત્રમાં શેરબજારો લગભગ સપાટ ખુલ્યા હતા, ત્યારબાદ શરૃઆતના કારોબારમાં થોડો વધારો થયો હતો અને નિફ્ટીએ ૧૮,૩૮૦ અને સેન્સેક્સ ૬૧,૯૦૦ને પાર કરી ગયા હતા, પરંતુ દિવસના કામકાજ દરમિયાન બજાર આ ગતિ જાળવી શક્યું ન હતું અને ઘટાડા સાથે બંધ થયું હતું.

નિફ્ટીના ઓટો, આઈટી, મેટલ, રિયલ્ટી, ઈન્ફ્રા અને કોમોડિટી ઈન્ડેક્સ ઊંચા બંધ રહ્યા હતા, જ્યારે જાહેર ક્ષેત્રની બેક્ન, મીડિયા, એનર્જી અને હેલ્થકેરે બજાર પર દબાણ લાવવાનું કામ કર્યું હતું.

હિન્દાલ્કો, એપોલો હોસ્પિટલ્સ, ટાટા મોટર્સ, ગ્રાસિમ, કોટક મહિન્દ્રા બેંક, ઈન્ડસઈન્ડ બેંક, ટાટા સ્ટીલ, ઈન્ફોસીસ, યુપીએલ, એચસીએલ ટેક, હીરો મોટોકોર્પ, સિપ્લા, મારુતિ સુઝુકી, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ટીસીએસ નિફ્ટીમાં ટોપ ગેનર્સમાં સામેલ છે. જ્યારે ડૉ. રેડ્ડીઝ લેબ્સ, આઈટીસી, કોલ ઈન્ડિયા, એસબીઆઈ, આઈસીઆઈસીઆ બેક્ન અને નેસ્લેમાં ઘટાડો થયો.

સોમવારે ડોલર સામે રૃપિયો ઘટીને બંધ રહ્યો હતો. મળતી માહિતી મુજબ ડોલર સામે રૃપિયો ૪૮ પૈસા ઘટીને ૮૧.૨૬ના સ્તર પર બંધ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સવારે રૃપિયો ડોલર સામે ૨૫ પૈસાના વધારા સાથે ૮૦.૫૩ ના સ્તર પર ખુલ્યો હતો, પરંતુ દિવસના કારોબાર દરમિયાન રૃપિયો આ ગતિ જાળવી શક્યો ન હતો અને ૮૧.૨૬ પૈસાના ઘટાડા સાથે બંધ થયો હતો.

(7:52 pm IST)