Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

અનામતની મર્યાદા વધારવા અનેક રાજ્યો કેન્દ્રનો સંપર્ક કરી શકે છે

સુપ્રીમ કોર્ટના નિર્મય બાદ કેન્દ્રની મુશ્કેલી વધશે : કેન્દ્ર સરકાર પાસે રાજ્યોની ભલામણો અથવા વિનંતીઓને સ્વીકારવી અથવા નકારી કાઢવી મુશ્કેલ બની શકે છે

નવી દિલ્હી, તા.૧૪ : આર્થિક રીતે પછાત વર્ગ (ઈડબલ્યુએસ) માટે ૧૦ ટકા અનામત યથાવત રાખવાના સુપ્રીમના નિર્ણય બાદ કેન્દ્ર સરકારની મુશ્કેલીઓ વધી શકે છે. ૫૦ ટકા સુધીની અનામતની ટોચ મર્યાદાનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવેલા કાયદાને માન્ય કર્યા પછી, હવે ઘણી રાજ્ય સરકારો આરક્ષણ મર્યાદા વધારવા માટે કેન્દ્રનો સંપર્ક કરી શકે છે. આવામાં કેન્દ્ર સરકાર પાસે રાજ્યોની ભલામણો અથવા વિનંતીઓને સ્વીકારવી અથવા નકારી કાઢવી મુશ્કેલ બની શકે છે. 

સુપ્રીમ કોર્ટના તાજેતરના બહુમતી નિર્ણયને અત્યાર સુધી અવ્યવહારુ ગણાતા ક્વોટા પરની મર્યાદા વધારવા તરીકે વ્યાપકપણે અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. ચુકાદાનું કાળજીપૂર્વક વાંચન દર્શાવે છે કે, તેણે એસસી/એસટી/ઓબીસી માટે ક્વોટાને ૫૦ ટકા સુધી મર્યાદિત કર્યો છે ત્યારે ઈડબલ્યુએસને તેના કાર્યક્ષેત્રની બહાર ગણાવ્યો છે.  જો કે, સીમાચિહ્નરૃપ ઈન્દિરા સાહની કેસમાં સુપ્રીમ કોર્ટેના વિવિધ આદેશોની ચર્ચા કરતી વખતે, કોર્ટે ૫૦ ટકા અનામતની મર્યાદાને 'અટલ નથી' તરીકે ગણાવી હતી, જ્યાં ન્યાયાધીશોએ વ્યક્તિગત રીતે દલીલ કરી હતી કે અપવાદરૃપ પરિસ્થિઓમાં ૫૦ ટકા અનામતની મર્યાદાનું ઉલ્લંઘન થઈ શકે છે.

ઈડબલ્યુએસ ક્વોટા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી, એવી ધારણા છે કે અનામતની ઉપલી ૫૦ ટકા મર્યાદાને પાર કરી શકાય છે. આરક્ષણ બાબતોમાં નિષ્ણાંત વકીલ શશાંક રત્નું જેમણે ઈડબલ્યુએસ કેસમાં પણ દલીલ કરી હતી તેમણે કહ્યું હતું કે, 'અપવાદરૃપ સંજોગોમાં, ૫૦ ટકા ઉપલી મર્યાદાના ઉલ્લંઘનને બંધારણીય સુધારા દ્વારા કાયદેસર કરી શકાય છે.' જો રાજ્ય સરકારો પણ તેમના ક્વોટા કાયદાઓને કાનૂની માન્યતા આપવા માટે બંધારણીય સુધારા માટે કેન્દ્ર સરકારને અરજીઓ મોકલવાનું

શરૃ કરી દેશે તો કેન્દ્રને રાજકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી

શકે છે. તેથી રાજ્યોની દલીલો સ્વીકારવી સરળ નહીં હોય કારણ કે અનેક રાજ્ય સરકારો નોકરીઓ અને શિક્ષણમાં ક્વોટાને અભૂતપૂર્વ સ્તર સુધી લઈ જઈ શકે છે. આનાથી અસુરક્ષિત શ્રેણી માટેની તકોમાં ઘટાડો થઈ શકે છે.

આ હકીકત એ રીતે સ્પષ્ટ થાય છે કે ઈડબલ્યુએસ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાના એક સપ્તાહની અંદર જ અનેક રાજ્યોએ સ્થાનિક ક્વોટા વધારવા માટે ઝડપી પગલા લીધા છે.

 બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ કેન્દ્ર પાસે ૫૦ ટકા અનામતની મર્યાદા દૂર કરવાની માંગણી કરી છે. ત્યારે ઝારંખંડે એસસી/એસટી/ઓબીસી માટે કુલ અનામત મર્યાદા વધારીને ૭૭ ટકા કરી દીધી છે.

રવિવારના રોજ, બિહારમાં સત્તારૃઢ ૭ પક્ષીય મહાગંઠબંધનના બે પક્ષોએ મુખ્યમંત્રી નીતિશ કુમાર પાસે ૨૩ નવેમ્બરથી શરૃ થનારા વિધાનસભાના શિયાળુ સત્રમાં આ કાયદો લાવવાની વિનંતી કરી છે, જેથી અનામતની કુલ મર્યાદા વર્તમાન ૫૦ ટકાથી વધારીને ૭૭ ટકા સુધી વધારી શકાય. રાજસ્થાનમાં પણ એવી જ માંગણી ઉઠી રહી છે કે ઓબીસી ક્વોટાને ૨૧ ટકાથી વધારીને ૨૭ ટકા કરવામાં આવે.

(7:50 pm IST)