Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

ચૂપચાપ ખાઈ લો, કીડામાં વિટામીન હોય છે : પ્રિન્સીપાલનો આદેશ

બિહારની એક શાળામાં મીડ-ડે મીલમાં કીડો નિકળ્યો : પ્રિન્સિપાલના આદેશને માનવાનો ઈનકાર કરતા શિક્ષકે માર મારતા વાલીઓનો શાળામાં ભારે હોબાળો

પટના, તા.૧૪ : બિહારના વૈશાલી જિલ્લામાં લાલગંજ અતતુલ્લાહપુર ખાતે એક મિડિલ સ્કૂલમાં મિડ-ડે-મીલમાં કીડો નીકળવાનો મામલો સામે આવ્યો છે. જ્યારે વિદ્યાર્થીઓએ તેની ફરિયાદ પ્રિન્સિપાલને કરી તો તેમણે કહ્યું હતું કે ચૂપચાપ ખાઈ લો, કીડામાં વિટામીન હોય છે. જ્યારે નિર્દોષ બાળકોએ કીડાવાળું ખાવાની ના પાડી તો ગુરૃજીએ વિદ્યાર્થીઓને માર માર્યો હતો. આ સમાચાર વાલી સુધી પહોંચતા શાળામાં ભારે હોબાળો મચી ગયો હતો.

આ કેસમાં એવો આક્ષેપ છે કે શાળામાં વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનમાં હલકી ગુણવત્તાનો ખોરાક આપવામાં આવી રહ્યો હતો. વિદ્યાર્થીઓએ શાળાના પ્રિન્સિપાલને ભાતની વચ્ચે કીડો બતાવતા તેમણે વિદ્યાર્થીનીને મિડ ડે મિલનું નવું જ્ઞાન આપીને વિદ્યાર્થીઓને ચૂપચાપ ભોજન પુરૃ કરવા જણાવ્યું હતું. પરંતુ આ બાબત ત્યારે વધી ગઈ જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ જીવડાઓવાળો ખોરાક ખાવાની ના પાડી દીધી. ત્યાર બાદ શિક્ષકે વિદ્યાર્થીઓને માર માર્યો હતો.

આ સમાચાર શિક્ષણ વિભાગને મળ્યા ત્યારે વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ શાળાએ પહોંચી અને મામલાની તપાસ કરી. લાસગંજના બ્લોક એજ્યુકેશન ઓફિસર પરશુરામ સિંહ શાળાએ પહોંચ્યા અને વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી અને વિદ્યાર્થીના તૂટેલા હાથના મેડિકલ રિપોર્ટની તપાસ કરી હતી. તપાસ ટીમે મામલાને ગંભીર ગણાવ્યો હતો અને ખાતરી આપી હતી કે સમગ્ર માસલાની તપાસ કરવામાં આવશે અને જો આરોપ સાચા નીકળશે તો આ મામલે કાર્યવાહી પણ થશે.

વિદ્યાર્થીનીએ કહ્યું હતું કે તેના તૂટેલા હાથ પર દવા લગાવી, ગાડીમાં હોસ્પિટલ ગયા અને પછી ઈન્જેક્શન લગાવ્યું હતું. ત્યાર બાદ દાદીને ઘરે લગાવવા માટેની દવા આપી હતી, સર જી કહી રહ્યા હતા કે માફ કરો... માફ કરો. ત્યારે શાળાના શિક્ષક અનિલ કુમારને પૂછવામાં આવ્યું હતું કે, બાળકીને હાથ કેવી રીતે તૂટી ગયો, જવાબમાં તેમણે કહ્યું હતું કે બાળકો અમારા વર્ગમાં સમજાવવા છતા સમજતા નથી.

 

 

(7:48 pm IST)