Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

ટાટા સન્સ ત્રણ એરલ લાઈન્સનું એર ઈન્ડિયામાં મર્જર કરશે

ટાટા સન્સનો એરલાઈન સેક્ટરમાં મોટો દાવ : આ પગલાથી એર ઈન્ડિયા ફ્લીટ અને માર્કેટ શેરના હિસાબે દેશની બીજી સૌથી મોટી એરલાઈન કંપની બનશે

નવી દિલ્હી, તા.૧૪  : ટાટા સન્સ એરલાઈન સેક્ટરમાં મોટો દાવ રમવાની તૈયારીમાં છે. ટાટા ગ્રૂપે તાજેતરમાં સરકારી એરલાઈન કંપની એર ઈન્ડિયાને ખરીદી હતી. ટાટા સન્સ હવે પોતાની અન્ય ૩ એરલાઈન્સ વિસ્તારા, એર એશિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસનુ એર ઈન્ડિયામાં મર્જર કરવા જઈ રહી છે. કંપનીએ આની પ્રક્રિયા શરૃ કરી દીધી છે.  વિસ્તારામાં સિંગાપોર એરલાઈન્સ ટાટા ગ્રૂપની પાર્ટનર છે. ટાટાની આ વિશે સિંગાપોર એરલાઈન્સ સાથે વાત થઈ ગઈ છે. આ પગલાથી એર ઈન્ડિયા ફ્લીટ અને માર્કેટ શેરના હિસાબે દેશની બીજી સૌથી મોટી એરલાઈન કંપની બની જશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર એર ઈન્ડિયા હેઠળ એક લો-કોસ્ટ એરલાઈન અને એક ફુલ સર્વિસ એરલાઈન હશે. આ વિશે એક અઠવાડિયામાં સત્તાકીય જાહેરાત થઈ શકે છે. બંને એરલાઈન ટૂંક સમયમાં જ કોમર્શિયલ ઓપરેશન શરૃ કરી શકે છે. પરંતુ એક એન્ટિટી તરીકે કામ શરૃ કરવામાં આને એક વર્ષ કરતા વધુ સમય લાગી શકે છે. વિસ્તારાને ચલાવનારી કંપની ટાટા સિંગાપોર એરલાઈન્સને એર ઈન્ડિયામાં મર્જ કરવામાં આવી રહી છે. વિસ્તારા બ્રાંડને ડ્રોપ કરી શકાય છે.  એર ઈન્ડિયામાં સિંગાપોર એરલાઈન્સની ૨૦થી ૨૫ ટકા ભાગીદારી હશે. આ સાથે જ વિસ્તારાના અમુક બોર્ડ મેમ્બર્સને એર ઈન્ડિયાના બોર્ડમાં સામેલ કરવામાં આવી શકે છે. હજુ વિસ્તારાની પેરેન્ટ કંપની ટાટા સિંગાપોર એરલાઈન્સમાં સિંગાપોર એરલાઈન્સની ૪૯ ટકા ભાગીદારી છે.

ટાટા સન્સ અને વિસ્તારાએ આની પર કોઈ ટિપ્પણી કરી નથી. વિસ્તારામાં ટાટા સન્સની ૫૧ ટકા ભાગીદારી છે. તાજેતરમાં જ ટાટા ગ્રૂપે એર ઈન્ડિયા એક્સપ્રેસ અને એર એશિયા ઈન્ડિયાનુ કંસોલિડેશન પુરુ કર્યુ હતુ. ગ્રૂપે એરએશિયા ઈન્ડિયામાં મલેશિયમ એરલાઈનની બાકીની ૧૬ ટકા ભાગીદારી ખરીદી લીધી હતી.

(7:48 pm IST)