Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

ચાલુ વર્ષે કર સંગ્રહ લક્ષ્ય કરતા ૧ થી ૧.૫ લાખ કરોડ વધારે થવાની શકયતા

સરકારે ૧૪.૨ લાખ કરોડ રૂપિયાનું રાખ્‍યું છે લક્ષ્ય

નવી દિલ્‍હી, તા.૧૪: ચાલુ નાણાકીય વર્ષમાં કરની આવક વધારે રહેવાને ધ્‍યાનમાં લઇને સરકાર નાણાકીય વર્ષ ૨૦૨૪માં પ્રત્‍યક્ષ કરનું લક્ષ્ય વધારી શકે છે. નાણાં મંત્રાલય ચાલુ વર્ષના સુધારેલા અંદાજ અને નાણાકીય વર્ષ ૨૦૨૪ના બજેટ અંદાજ પર કામ કરી રહ્યું છે. તેના પ્રાથમિક આંતરિક અંદાજ અનુસાર, આગામી નાણાકીય વર્ષમાં પ્રત્‍યક્ષ કર સંગ્રહ નાણાકીય વર્ષ ૨૦૨૩ના બજેટ અનુમાન ૧૪.૨ લાખ કરોડ રૂપિયાથી ૧૪ થી ૧૭ ટકા વધારે લક્ષ્ય નક્કી કરવાની શકયતા ચકાસાઇ રહી છે.એક સીનીયર અધિકારીએ જણાવ્‍યું કે બજેટ તૈયાર કરવાની કવાયત હેઠળ આંતરિક અનુમાનની પ્રક્રિયા ચાલુ છ.ે કર સંગ્રહનું લક્ષ્ય નોમીનલ જીડીપીની વૃધ્‍ધિ પર આધાર રાખશે કેમ કે મુદ્રસ્‍ફિતીમાં મંદીથી આવતા વર્ષે જીડીપી વૃધ્‍ધિ પણ ઘટી શકે છે. નાણાકીય વર્ષ ૨૦૨૩ના બજેટ અંદાજમાં નોમીનલ જીડીપી ૧૧.૩ ટકાના દરે વધવાનું અનુમાન કરાયુ હતુ પણ વાસ્‍તવિક નોમીનલ જીડીપી વૃધ્‍ધિ કિંમતોમાં ઝડપી વધારાના કારણે ઘણી વધારે રહેવાની આશા છે.આ અધિકારીએ કહ્યું કે બ્રાહ્ય પડકારો અને વસ્‍તુઓના ભાવો વધવા છતાં અત્‍યાર સુધી કોર્પોરેટ કર સંગ્રહ ગત વર્ષના એ જ સમયગાળા કરતા ૨૨ ટકા વધારે રહ્યો છે. જે ભારતીય ઉદ્યોગ જગતના નફામાં સતત વધારા અને કોરોના પછીના સુધારાને દર્શાવે છે. તેમણે કહ્યું કે આમાં વધુ સ્‍પષ્‍ટતા ૧૫ ડીસેમ્‍બરે એડવાન્‍સ કર સંગ્રહના ત્રીજા હપ્‍તાની ચુકવણી પછી થશે.

(3:51 pm IST)