Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

યુરોપ અમેરિકાની મંદીની ગુજરાતની નિકાસ પર અસર

ગયા વર્ષ કરતા નિકાસ ૧૨ થી ૧૪ ટકા ઘટી

નવી દિલ્‍હી, તા.૧૪: ફેબ્રુઆરીમાં રશીયા - યુક્રેન યુધ્‍ધ શરૂ થયા પછીથી મોટા ભાગના યુરોપ અને વિશ્‍વના ઘણાં ભાગમાં ઇંધણના ભાવો વધી ગયા છે યુધ્‍ધને ૮ મહિનાથી વધારે સમય થઇ ગયો છે અને યુરોપમાં ઇંધણની ભારે તંગીના કારણે ઔદ્યોગીક અને આર્થિક પ્રવૃતિઓને અસર થઇ છે. અમેરિકા અને યુકેની બજારોમાં વધારે વ્‍યાજ દર અને કરન્‍સીમાં ઘસારાના કારણે માંગ ઘટી છે. આની અસર ગુજરાતના ઔદ્યોગીક ક્ષેત્રમાં દેખાઇ રહી છે. અહીંના ઉત્‍પાદકો ઓર્ડરનું કદ અને આવક ગુમાવી રહ્યા છે. ઓર્ડરો નાના થવાના કારણે તેમનો નફો ઘટી રહ્યો છે.

સ્‍થાનિક કપાસના વધારે ભાવ, નિકાસમાં ઘટાડો અને ક્ષમતા કરતા ઓછા ઉત્‍પાદનના કારણે કોટન યાર્ન ઉત્‍પાદકોનો નફો ઘટયો છે. ગયા વર્ષે દાયકાના સૌથી વધારે ૨૦ થી ૩૦ ટકા નફાની સામે આ વખતે તેમનો નફો ઘટીને ૧૨ થી ૧૪ ટકા થઇ ગયાનું ક્રીસીલના રિપોર્ટમાં કહેવાયુ છે.

કુદરતી ગેસના ભાવ વધારાના કારણે ગુજરાતના સીરામીક ઉત્‍પાદનને પણ અસર થઇ છે. નિકાસ ઓર્ડરો ઘટવાથી તેમના નફા પર વધારાનું દબાણ આવ્‍યુ છે. ગુજરાતનું મોરબી, જયાં સીરામીકના લગભગ ૧૦૦૦ યુનીટો કાર્યરત છે અને તે એશીયાનું સૌથી મોટું સીરામીક ઉત્‍પાદક છે.

તો ટેક્ષટાઇલ ઉદ્યોગમાં મોટું નામ ધરાવતા ગુજરાતની નિકાસ યુરોપની ધરતી માંગના કારણે ઘટી ગઇ છે. મોંઘવારી અને ઓછા ઓર્ડરોના કારણે અમદાવાદ અને જેતપુરના ઘણા કપડાના ઉત્‍પાદકોએ દિવાળીની રજાઓ પછી હજુ ઉત્‍પાદન શરૂ જ નથી કર્યુ. કપાસના વૈશ્‍વિક ભાવો ૧૭ ટકા ઘટયા છે ત્‍યારે સ્‍થાનિક કપાસના ભાવો ૨ ટકા વધવાથી નિકાસ બજારમાં ઓર્ડરો ચીન અને બાંગ્‍લાદેશ ખેંચી જાય છે. જેની અસર ધંધા પર પડી રહી છે.

(3:46 pm IST)