Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

G-૨૦ સમિટ પૂર્વે IMF ની લાલબત્તી : મંદી અંગે ચેતવણીઃ ચીન અને યુરોપમાં સંકટ હોવાનો ધડાકો

ચીનનું અર્થતંત્ર ધીમુ પડયું: સપ્લાઇ ચેઇનને માઠી અસર : મેન્યુફેકચરિંગ અને સર્વિસીસ સેકટર - નબળા પડયા : મોંઘવારી વધી રહી છેઃ માંગ ઘટી રહી છે

બાલી, તા.૧૪: ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે G-૨૦ મીટિંગ પહેલા વૈશ્વિક અર્થવ્યવસ્થા અંગે ચિંતા વ્યકત કરી છે. IMFનુ કહેવું છે કે વિશ્વની અર્થવ્યવસ્થા નબળી પડી રહી છે. ગ્લોબલ બોડીએ જણાવ્યું હતું કે ગયા મહિને જે અંદાજ લગાવવામાં આવ્યો હતો તેના કરતાં સ્થિતિ વધુ ખરાબ લાગી રહી છે. IMF અનુસાર, છેલ્લા કેટલાક મહિનાના પર્યુસિંગ મેનેજર ઇન્ડેકસમાં આ વાત સામે આવી છે. આટલું જ નહીં IMFનુ કહેવું છે કે વિશ્વભરની અર્થવ્યવસ્થાઓ દ્વારા કડક કરવામાં આવેલી નાણાકીય નીતિઓ અને મોંઘવારી વધવાના કારણે આવી સ્થિતિ સર્જાઈ છે. પોતાના અંદાજમાં IMFએ કહ્યું છે કે ચીનની અર્થવ્યવસ્થા ધીમી પડી છે અને સપ્લાય ચેઈનને અસર થઈ છે.

આ સિવાય રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે વિશ્વમાં અનાજનો પુરવઠો પણ પ્રભાવિત થયો છે. જેના કારણે એવી સ્થિતિ સર્જાઈ રહી છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી છે. ગયા મહિને જ વૈશ્વિક સંસ્થાએ ૨૦૨૩માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિના અનુમાનને ૨.૯ ટકાથી ઘટાડીને ૨.૭ ટકા કરવાની જાહેરાત કરી હતી. G-૨૦ લીડર્સ સમિટ પહેલા એક બ્લોગમાં IMFએ કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થાને લઈને જે સંકેતો મળી રહ્યા છે તે ધીમી થવાની વાત કરી રહ્યા છે. ખાસ કરીને યુરોપમાં મંદીની સ્થિતિ છે. તેની અસર વિશ્વના અન્ય ભાગોમાં પણ જોવા મળશે.

IMFનુ કહેવું છે કે ઉત્પાદન અને સેવાઓની પ્રવૃત્તિ નબળી પડી છે. વિશ્વની ટોચની ૨૦ અર્થવ્યવસ્થાઓની આ જ હાલત છે. એક તરફ મોંઘવારી દરમાં વધારો થયો છે તો બીજી તરફ માંગ અને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. IMFનુ કહેવું છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થા સામે ચાલી રહેલી કટોકટી ચિંતાનું કારણ છે. આના પરથી લાગે છે કે આવનારો સમય પડકારજનક રહેવાનો છે. આટલું જ નહીં, યુરોપમાં ઉર્જા કટોકટીએ વિકાસને ધીમો પાડવા અને મોંઘવારી વધારવાનું પણ કામ કર્યું છે. વૈશ્વિક સંસ્થાએ કહ્યું કે જો મોંઘવારી આ રીતે ચાલુ રહેશે તો સમગ્ર વિશ્વમાં પોલિસી રેટ વધશે અને તેનાથી આર્થિક સ્થિતિ મુશ્કેલ બની શકે છે.

(11:36 am IST)