Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

ઇંગ્‍લેન્‍ડ એક જ અરસામાં ક્રિકેટના બન્ને ફોર્મેટમાં ચેમ્‍પિયન બનેલો પહેલો જ દેશ

સેમ કરેન અને બેન સ્‍ટોકસના સુપર્બ પર્ફોર્મન્‍સને લીધે પાકિસ્‍તાનનું સપનું રોળાયું

નવી દિલ્‍હીઃ ઇંગ્‍લેન્‍ડના ગોલ્‍ડન જનરેશનના ક્રિકેટરોએ મેલબર્નમાં પાકિસ્‍તાનના ખેલાડીઓની ટીમને ફાઇનલમાં હરાવીને ઇંગ્‍લેન્‍ડને ટી૨૦ વર્લ્‍ડકપની બીજી ટ્રોફી અપાવી હતી. ૨૦૧૦માં પોલ કોલિંગવુડના સુકાનમાં ઇંગ્‍લેન્‍ડ પહેલીવાર આ ટુર્નામેન્‍ટ જીત્‍યુ હતું અને ગઇકાલે જોસ બટલરની કેપ્‍ટન્‍સીમાં બ્રિટિશરો ફરી ટી૨૦ના ચેમ્‍પિયન બન્‍યા. વાસ્‍તવમાં આ તેમની ઐતિહાસિક જીત એ માટે છે કે હાલમાં તેઓ વન-ડેના પણ વિશ્વવિજેતા છે એટલે એક જ અરસામાંવન-ડે તથા ટી૨૦ એમ બન્નેમાં ચેમ્‍પિયન બનેલો ઇંગ્‍લેન્‍ડ પહેલો દેશ છે.
નસીબથી રમવા મળ્‍યુ ને બની ગયો ચેમ્‍પિયન
ઇંગ્‍લેન્‍ડનો ફાસ્‍ટ બોલર માર્ક વુડ ગઇ કાલે મેલબર્નની ફાઇનલમાં ફિટ થઇને પાછો રમવાનો જ હતો, પણ છેલ્‍લી ઘડીએ ઇલેવનમાં તેને બદલે ક્રિસ જોર્ડન (ઉપર)ને સામેલ કરાયો હતો. તેણે શાદાબ ખાન અને મોહમ્‍મદ વસીમની મહત્‍વની વિકેટ લીધી હતી. ભારત સામે જોર્ર્ડને રોહિત, કોહલી, હાર્દિકને આઉટ કર્યા હતા.
આફ્રિદી બેસી જતા જીતવાની બધી આશા પાણીમાં
મુખ્‍ય ફાસ્‍ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ લોન્‍ગ-ઓફ પર ઇંગ્‍લેન્‍ડના હેરી બ્રુકનો શાનદાર કેચ પકડયો હતો, પણ કેચ પકડતી વખતે તેના પગના સ્‍નાયુઓ ખેંચાઇ જતાં તે પેવેલિયનમાં જતો રહયો હતો. તે માત્ર ૨.૧ ઓવર બોલિંગ કરી શકયો હતો, જેમાં તેણે ૧૩ રનમાં એક વિકેટ લીધી હતી.
પાકિસ્‍તાનની ટીમની ચાર દિન કી ચાંદનીઃ ચાહકોનો આનંદ ફેરવાયો આઘાતમાં
પાકિસ્‍તાનમાં પોતાની ટીમની ફેવરમાં જબરજસ્‍ત માહોલ હતો. લાહોરના હોકી સ્‍ટેડિયમમાં બિગ સ્‍ક્રીન પર મેચ માણતી વખતે મહિલાઓ પાકિસ્‍તાનની બેટિંગ દરમ્‍યાન ખુબ ખુશ હતી(ઉપર) અને કરાચીમાં રાખવામાં આવેલી એક મેગા સ્‍ક્રીન પર ફાઇનલ માણી રહેલા કેટલાક યુવાનો રિઝવાનની એક ફોર વખતે સ્‍ક્રીન પર બટલરનો ચહેરો જોતાં જ કૂદવા માંડયા હતા. જોકે ઇસ્‍લામાબાદમાં એક સ્‍થળે મેચ જોઇ રહેલી મહિલાએ હાર થતા માથે હાથ મૂકીને આઘાત વ્‍યકત કર્યો હતો.

 

(10:54 am IST)