Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

પ્રથમ તબક્કા માટે ભરવાનો આજે અંતિમ દિવસ

૧૯ જિલ્લાની ૮૯ બેઠક માટે જંગ ! : ઉમેદવારોનું ચિત્ર આજે અંશતઃ સ્‍પષ્ટ થઇ જશે

નવી દિલ્‍હી, તા.૧૪: છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા તડજોડના ગણિત, વિવિધ સમિકરણો, ટિકિટ મળવા માટે કયાંક ઉત્‍સાહ તો કયાંક રીસામણા-મનામણા બાદ હવે આખરે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું ફોર્મ ભરવા માટે અંતિમ દિવસ છે. જેના આધારે ૧ ડિસેમ્‍બરે ૧૯ જિલ્લાની ૮૯ બેઠકોમાં કેટલા ઉમેદવારો વચ્‍ચે જંગ જામશે તેનું ચિત્ર અંશતઃ સ્‍પષ્ટ થઇ જશે. ફોર્મ ભરવા માટે  આજે અંતિમ દિવસ હોવાથી કલેક્‍ટર કચેરીમાં મોટી સંખ્‍યામાં ઉમેદવારો તેમના સમર્થકો સાથે ઉતરી પડશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કા માટે શુક્રવાર સુધી કુલ ૩૨૪ ઉમેદવારીપત્રો ભરાયા છે. જેમાં પ્રથમ તબક્કાના ૩૧૬ અને બીજા તબક્કાના ૮ ઉમેદવારોનો સમાવેશ થાય છે. શનિવાર-રવિવારના રજાને પગલે ફોર્મ ભરવાની પ્રક્રિયા બંધ રહી હતી. ફોર્મ ભરવા માટે આજે  અંતિમ દિવસ છે અને ૧૫ નવેમ્‍બર-મંગળવારના  ફોર્મની ચકાસણી હાથ ધરાશે. ઉમેદવારો ૧૭ નવેમ્‍બર-ગુરુવાર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકશે. આમ, ૧૭ નવેમ્‍બરે સાંજ સુધીમાં પ્રથમ તબક્કાના ઉમેદવારોનું ચિત્ર સ્‍પષ્ટ થઇ જશે. રવિવારે મોડી સાંજ સુધી કેટલીક બેઠકને લઇને પક્ષમાં અસમંજસની સ્‍થિતિ રહી હતી. જેના કારણે કેટલીક બેઠકના ઉમેદવારોના નામ જારી કરવામાં વિલંબ થયો હતો.

પ્રથમ તબક્કામાં સુરતમાંથી સૌથી વધુ ૧૬, રાજકોટમાંથી ૮, ભાવનગરમાંથી ૭ જ્‍યારે કચ્‍છમાંથી ૬ બેઠકો છે. વર્તમાન સરકારમાં જે મંત્રીઓ જે પ્રથમ તબક્કાની ચૂંટણી લડી રહ્યા છે તેમાં મુખ્‍યત્‍વે કનુભાઇ દેસાઇ, જીતુભાઇ ચૌધરી, કિરિટસિંહ રાણા, જીતુભાઇ વાઘાણી, મુકેશ પટેલ, વિનુભાઇ મોરડિયા, પૂર્ણેશ મોદી, હર્ષ સંઘવીનો મુખ્‍યત્‍વે સમાવેશ થાય છે.  આવતીકાલે ઉમેદવારો ઢોલ-નગારા, ડીજેના તાલ સાથે કાર્યકરોના શક્‍તિ પ્રદર્શન કરતાં ફોર્મ ભરવા માટે પહોંચશે.

બીજા તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૧૦ નવેમ્‍બર-ગુરુવાર છે. જેમાં ૧૮ નવેમ્‍બરે  ફોર્મની ચકાસણી થશે અને ત્‍યારબાદ ૨૧ નવેમ્‍બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કાનું મતદાન પાંચ ડિસેમ્‍બરના યોજાશે. બીજા તબક્કા માટે અમદાવાદમાંથી ૩, અરવલ્લીમાંથી ૨ જ્‍યારે મહેસાણા-ગાંધીનગરમાંથી ૧-૧ ફોર્મ ભરાયા છે.

(10:38 am IST)