Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

ફ્રેન્‍ચ મહિલાના હાથ પર નવું નાક ઉગાડવામાં આવ્‍યું

હવે તેના હાથ પર ઉગાડાયેલા નવા નાકને કારણે તેની સૂંઘવાની શક્‍તિ પાછી આવી ગઈ છે

પેરિસ,તા.૧૪: કેરિન નામની ફ્રેન્‍ચ મહિલાએ ૨૦૧૩માં સાયનસ કેન્‍સર સામેની લડાઈમાં લગભગ આઠેક વર્ષ પહેલાં નાકનો એક ચોક્કસ હિસ્‍સો ગુમાવ્‍યો હતો. જોકે હવે તેના હાથ પર ઉગાડાયેલા નવા નાકને કારણે તેની સૂંઘવાની શક્‍તિ પાછી આવી ગઈ છે. આ પહેલાં સર્જરીને કારણે ભલે કેરિનની જિંદગી બચી ગઈ, પરંતુ નાક ગુમાવવાને લીધે તે ઘરની બહાર નીકળતાં અચકાતી હતી. એ ઉપરાંત નાક સાથે જ તેની સૂંઘવાની શક્‍તિ પણ તેણે ગુમાવી હતી.

કેરિને કેન્‍સરની સારવાર કરાવી એ પહેલાં ડોક્‍ટરોએ 3D પ્રિન્‍ટેડ બાયોમટીરિયલનો ઉપયોગ કરીને કસ્‍ટમ-મેડ નાક બનાવ્‍યું અને જયાં સુધી નવી ટેક્‍નોલોજીનો વિકાસ ન થઈ ન જાય ત્‍યાં સુધી એને બરફ પર રાખ્‍યું હતું.

આ વર્ષે આ કસ્‍ટમ-મેડ નાકના સ્‍ટ્રક્‍ચરને કેરિનના હાથની ચામડીની નીચે રોપવામાં આવ્‍યું હતું, જયાં બે મહિનામાં જ કોષ અને રક્‍તવાહિનીઓ ઉપકરણમાં જ વૃદ્ધિ પામ્‍યાં હતાં. બે મહિના પછી આ ‘નાક'તેના ચહેરા પર રોપવામાં આવ્‍યું તથા એની અંદરની રક્‍તવાહિનીઓને ચહેરામાં જોડવામાં આવી હતી. નવું નાક બેસાડ્‍યા બાદ કેરિનનું કહેવું છે કે નવા નાકથી મને શ્વાસ લેવામાં રાહત થાય છે અને બગીચાનાં ફૂલોની સુગંધ પણ હું માણી શકું છું. કેરિને વધુ એક ઓપરેશન કરાવવું પડશે. ત્‍યાર બાદ તેનું નાક સામાન્‍ય માનવીના નાકની જેમ કાર્ય કરતું થઈ જશે.

(10:30 am IST)