Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

H1B વિઝા ધારકની હકાલપટ્ટી થાય તો સ્‍ટુડન્‍ટ વિઝા હેઠળ યુએસમાં રહી શકે

અમેરિકામાં H1B વિઝા હેઠળ અંદાજે ૬૦ હજાર ગુજરાતી કામ કરે છે : ૬૦ દિવસમાં નવી નોકરી ન મળે તો ભારત પાછા આવવું પડે તેવી જોગવાઇ

નવી દિલ્‍હી,તા. ૧૪: અમેરિકામાં ટ્‍વીટર, મેટા, એમેઝોન સહિતની કંપનીઓએ તેમના હજારો કર્મચારીઓને પાણીચું આપવાની જાહેરાત કરી છે ત્‍યારે ગુજરાતમાંથી H1B વિઝા હેઠળ આ કંપનીઓમાં ફરજ બજાવતા સેંકડો કર્મચારીઓની હાલત કફોડી બની છે. વર્ષોથી અમેરિકામાં H1B વિઝા હેઠળ નોકરી કરતા ઉચ્‍ચ કૌશલ્‍ય ધરાવતા ભારતીયોને ટ્‍વીટર, મેટા ,એમેઝોન સહિતની કંપનીઓ દ્વારા તાજેતરમાં કર્મચારીઓની છટણી કરવાની જાહેરાતથી વ્‍યાપક અસર થઇ રહી છે.

મેટાએ ૧૧૦૦૦ કામદારોની હકાલપટ્ટીની જાહેરાત કરી છે તેમાં ઘણા ગુજરાતી સહિત ભારતીયોનો સમાવેશ થાય છે. જોકે મેટાએ છટણીનો ભોગ બનેલા કર્મચારીઓ માટે ઇમિગ્રેશન સ્‍પેશ્‍યાલિસ્‍ટની ટીમ દ્વારા સેવા આપવાની જાહેરાત કરી છે. જે અસરગ્રસ્‍ત કર્મચારીઓ અને તેમના કુટુંબીજનોને માર્ગદર્શન આપશે તથા અન્‍ય જરૂરી કાયદાકીય સલાહ આપશે.

એક અંદાજ મુજબ ૬૦ હજાર જેટલા ગુજરાતીઓ અમેરિકામાં H1B વિઝા હેઠળ રોજગારી મેળવે છે. આ અગ્રણી કંપનીઓ દ્વારા કરાયેલી છટણીની જાહેરાતના પગલે સેંકડો ગુજરાતીઓને ૬૦ દિવસમાં જ નવી અમેરિકન કંપની પાસેથી નોકરી મેળવવી પડશે. જો ૬૦ દિવસમાં જ નવી નોકરી ન મેળવે તો H1B વિઝા નો દરજ્જો ગુમાવી દેતાં ફરજિયાત ભારત પરત આવવું પડે.આ સ્‍થિતિમાં કંપનીએ કર્મચારીને તેમના દેશમાં પરત ફરવા માટેનો ફલાઇટનો ખર્ચ આપવાની જોગવાઇ છે.

વિઝા કન્‍સલન્‍ટન્‍ટ નિકિતન કોન્‍ટ્રાકટરે જણાવ્‍યું હતુંકે, અમેરિકન કાયદા મુજબ હવે આવી વ્‍યક્‍તિને ત્‍યાં રહેવું હોય તો H1B વિઝા નો દરજ્જો છોડીને સ્‍ટુન્‍ડન્‍ટસ વિઝાનો દરજ્જો મેળવવો. સ્‍ટુડન્‍ટ્‍સ વિઝા હેઠળ તેઓ વધુ સમય ત્‍યાં રહી શકે છે. કેટલાક ગ્‍૨ વિઝા માટે અરજી કરીને અમેરિકામાં સમય મેળવે છે. H1B વિઝાની વ્‍યાખ્‍યામાં વિદેશી કામદાર અમેરિકામાં અમેરિકામાં ૩થી ૬ વર્ષ સુધીસેવા આપવા આવે છે તેવો થાય છે. ઉચ્‍ચ કૌશલ્‍ય ધરાવતી વ્‍યક્‍તિઓ વર્ષોથી આ દરજ્જા હેઠળ ત્‍યાંની કંપનીઓમાં સેવા આપી શકે છે.આ વિઝા નોન ઇમિગ્રાન્‍ટ વિઝા હોય છે. (૨૨.૬)

ફેસબુક, લિન્‍કડિન, ટ્‍વીટર ઉપર નોકરીઓની મદદ મગાઇ

અમેરિકામાં નોકરી ગુમાવનાર ભારતીયોએ ફેસબુક, લિન્‍કડિન, ટ્‍વીટર જેવા સોશ્‍યલ મીડીયામાં પોતાનો બાયોડેટા મુકીને ત્‍યાં રહેતા ભારતીયો, અમેરિકનોની નોકરી અપાવવા માટે મદદ માંગી છે. આવા નોકરીવાંચ્‍છુઓના સંદેશાઓમાં ઘણી દર્દભરી કહાનીઓ પણ રજૂ થઇ છે. પ્રોડકટર મેનેજર, સ્‍ટ્રેટેઝી અને માર્કેટિંગ સહિતના ક્ષેત્રે અનુભવ ધરાવતા એમબીએ, આઇઆઇટી જેવી ઉચ્‍ચ ડિગ્રી ધરાવતા ૧૦ વર્ષ ઉપરાંતનો અનુભવી ઉમેદવારોએ ૬૦ દિવસના ટૂંકા ગાળામાં કોઇ મદદ કરે તેવી અપીલ કરી છે.

આગામી વર્ષોમાં મંદીની અસર પડી શકે છે

આગામી વર્ષોમાં વૈશ્વિક મંદી આવી રહી હોવાનું અગ્રણી કંપનીઓના સીઇઓની ધારણા છે. જેના પગલે અમેરિકામાં H1B વિઝા હેઠળ જુદી-જુદી કંપનીઓમાં ફરજ બજાવતા સેંકડો ભારતીયોને અસર થઇ શકે તેવી શયકતા છે. આ સંજોગોમાં H1B વિઝા હેઠળ ફરજ બજાવનારાઓને જરૂરી આયોજન કરવું પડશે.

(10:26 am IST)