Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

ICC ના ફરી ચેરમેન બન્યા ગ્રેગર બાર્કલે :BCCIનો પણ રહેશે દબદબો :જય શાહ અને સૌરવ ગાંગુલીને મહત્વની જવાબદારી

એડવોકેટ વકીલ ગ્રેગર બાર્કલે ફરી એકવાર ICCના ચેરમેન બન્યા:ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ડાયરેક્ટર બાર્કલને સર્વસંમત્તિથી ચેરમેન બનાવાયા

મુંબઈ : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC)ને નવા ચેરમેન મળ્યા છે. એડવોકેટ વકીલ ગ્રેગર બાર્કલે ફરી એકવાર ICCના ચેરમેન બન્યા છે. તેઓ ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ડાયરેક્ટર પણ છે. આજે તેમને તેમને સર્વસંમત્તિથી ચેરમેન બનાવવામાં આવ્યા હતા. તેઓ સતત બીજીવાર આ પદ પર બેસશે. તેની સાથે ICCમાં હવે BCCIનો પણ દબદબો રહેશે. જય શાહ અને સૌરવ ગાંગુલીને પણ મહત્વની જવાબદારી મળી છે.

   આ પહેલા એવી વાત ચાલી રહી હતી કે ઝિમ્બાબ્વેના તવેંગવા મુકુલહલાની પણ ICCના ચેરમેન પદ માટે ચૂંટણી લડવાના છે. પરંતુ તેમણે તેમનું નામ આ ચૂંટણીમાંથી પરત લઈ લીધુ હતુ, ત્યારે આ પદ માટે ગ્રેગર બાર્કલે બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓ આજથી 2 વર્ષ સુધી આ પદ પર રહેશે

ઑકલેન્ડમાં કૉમર્શિયલ એડવોકેટ બાર્કલે નવેમ્બર 2020માં પહેલીવાર ICCના ચેરમેન બન્યા હતા. તેઓ ન્યૂઝીલેન્ડ ક્રિકેટના પણ ચેરમેન રહી ચૂક્યા છે. તેમણે 2015 વન-ડે વર્લ્ડ કપના ડાયરેક્ટર પણ બનાવવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર તેઓ આ પદ પર વર્ષ 2024 સુધી રહેશે.

ICCના ચેરમેન બનવાની રેસમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના નામની પણ ચર્ચા થતી હતી, પરંતુ તેમણે આ માટે નામાંકન ભર્યું નહોતુ. હમણા સુધીમાં 4 ભારતીયો આ પદ પર રહી ચૂક્યા છે. જેમાં જગમોહન દાલમિયા, શરદ પવાર, એન, શ્રીનિવાસન અને શશાંક મનોહરનો સમાવેશ થાય છે.

BCCI સચિવ જય શાહને ICCના નાણાકીય સમિતિના વડા બનાવવામાં આવ્યા છે. ICCના નાણાકીય નિર્ણયો આ કમિટી જ લેશે. આ પદ જય શાહ માટે મહત્વનું બની રહેશે. આઈસીસીના તમામ સભ્યો એ આ નિર્ણયનું સમર્થન કર્યુ છે. સૌરવ ગાંગુલી ICCની ક્રિકેટ કમિટીના વડા પદ પર બની રહેશે. તેઓ ગયા વર્ષે પણ આજ પદ પર હતા. .

(9:41 am IST)