Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

મુંબઈ એરપોર્ટ પરથી 32 કરોડની કિંમતનું 61 કિલો સોનું જપ્ત: બે મહિલા સહીત 7 આરોપીની ધરપકડ

એરપોર્ટ પરથી એક જ દિવસમાં જપ્ત કરવામાં આવેલ સોનાનો આ સૌથી વધુ જથ્થો

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ્સે 61 કિલો સોનું જપ્ત કર્યું છે. જેની કિંમત 32 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. વિભાગ દ્વારા એરપોર્ટ પરથી એક જ દિવસમાં જપ્ત કરવામાં આવેલ સોનાનો આ સૌથી વધુ જથ્થો છે. કસ્ટમ્સે શુક્રવારે 11 નવેમ્બરે આ કાર્યવાહી કરી હતી. કસ્ટમ અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી છે.

મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સે જણાવ્યું હતું કે, “મુંબઈ એરપોર્ટ પર 32 કરોડ રૂપિયાની કિંમતનું 61 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ કેસમાં 5 પુરૂષ અને 2 મહિલા મુસાફરો સહિત 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સોનાની લગડીઓ તેના શરીર પર ખાસ ડિઝાઇન કરાયેલા પટ્ટામાં છૂપાવી દેવામાં આવી હતી જેમાં તેના ધડની આસપાસ અનેક ખિસ્સા લપેટાયેલા હતા.

અધિકારીએ જણાવ્યું હતું કે પ્રથમ ઓપરેશનમાં તાંઝાનિયાથી પરત ફરતા ચાર ભારતીયો પાસેથી એક કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું, જે ખાસ ડિઝાઇન કરાયેલા પટ્ટામાં છુપાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે તેમની પાસેથી 28.17 કરોડની કિંમતની યુએઈની 53 કિલો સોનાની લગડીઓ મળી આવી છે. ચારેય મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા.

દરમિયાન કસ્ટમ અધિકારીઓએ દુબઈથી આવી રહેલા ત્રણ મુસાફરો પાસેથી રૂ. 3.88 કરોડની કિંમતનું 8 કિલો સોનું જપ્ત કર્યું હતું. ત્રણેય મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

(12:00 am IST)