Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

રાજસ્થાનમાં બહુ જલ્દી મુખ્યમંત્રી બદલાઈ જશે : કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે દાવો કર્યો

આચાર્ય પ્રમોદે કહ્યું હતું કે, કોંગ્રેસ નેતૃત્વના નિર્ણયને દરેક ધારાસભ્યે માનવો પડશે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતની ચૂંટણીમાં વ્યસ્ત છે ત્યારે કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે દાવો કર્યો છે કે, બહુ જલદી રાજસ્થાનમાં મુખ્યમંત્રી બદલાઈ જશે, કૃષ્ણમના કહેવા પ્રમાણે રાજસ્થાન અંગે કોંગ્રેસ હાઈકમાન્ડ ખૂબ જ મોટો નિર્ણય લઈ શકે છે. વાસ્તવમાં નિર્ણય તો લેવાઈ જ ગયો છે પણ તેની જાહેરાત કરવાની બાકી છે. કોંગ્રેસનો દરેક ધારાસભ્ય હાઈકમાન્ડના આ નિર્ણયને ટેકો આપશે એવો દાવો પણ તેમણે કર્યો હતો

આચાર્ય પ્રમોદ કૃષ્ણમ પ્રિયંકા ગાંધીની નજીક મનાય છે. આચાર્ય રાજસ્થાન વિધાનસભાના સ્પિકર સી.પી. જોશીને મળ્યા હતા. બે કલાકની ચર્ચા પછી આચાર્ય પ્રમોદે કહ્યું હતું કે, કોંગ્રેસ નેતૃત્વના નિર્ણયને દરેક ધારાસભ્યે માનવો પડશે.

ગેહલોતની નજીકના લોકો આચાર્યની વાતને તેમના દિમાગનો તુક્કો ગણાવે છે. તેમનું કહેવું છે કે, આચાર્ય સચિન પાયલટની નજીક હોવાથી આવી વાતો કરે છે પણ હાઈકમાન્ડ અશોક ગેહલોતને ખસેડે આ વાતમાં માલ નથી. કોંગ્રેસે ગેહલોત સમર્થક ત્રણ નેતાઓને નોટિસ આપ્યા પછી કોઈ પગલાં લીધાં નથી તેના પરથી ગેહલોત સમર્થકોની વાત સાચી લાગે છે.

 

(11:57 pm IST)